નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મંગળવારે રાત્રે ઈન્ડિયા એલાયન્સના ફ્લોર લીડર્સની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવા પર સહમતિ સધાઈ હતી. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે એક નિવેદનમાં આ નિર્ણયની જાણકારી આપી હતી.
" congress mp rahul gandhi has been appointed as the lop in the lok sabha, says congress general secretary kc venugopal pic.twitter.com/8AYbBlkEbV
— ANI (@ANI) June 25, 2024
બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે મીડિયાને જણાવ્યું કે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબને પત્ર લખીને લોકસભામાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાના નિર્ણય અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે અન્ય નિમણૂકો અંગે નિર્ણય હવે પછી લેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, લોકસભામાં વિપક્ષના નેતાનું પદ છેલ્લા 10 વર્ષથી ખાલી હતું, કારણ કે છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસને વિપક્ષના નેતા માટે જરૂરી સંખ્યામાં બેઠકો મળી ન હતી. હવે 10 વર્ષ બાદ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા નિભાવશે. લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ 99 બેઠકો જીતીને બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. વિપક્ષના નેતા પદ માટે દાવો કરવા માટે પાર્ટી પાસે 55 સાંસદ હોવા જરૂરી છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાહુલને વિપક્ષના નેતા બનાવવાની ભલામણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સર્વાનુમતે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. જો કે રાહુલે ત્યારે કહ્યું હતું કે આ અંગે નિર્ણય લેવા માટે તેમને સમયની જરૂર છે.
તમને જણાવી દઈએ કે, લોકસભા અધ્યક્ષ પદ માટે 26 જૂન, બુધવારે ચૂંટણી યોજાવાની છે. અગાઉ આ જવાબદારી રાહુલ ગાંધીને આપવામાં આવી હતી. તે જ સમયે, ઇન્ડિયા એલાયન્સે સ્પીકર પદ માટે ઉમેદવારને મેદાનમાં ઉતારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારને પ્રથમ પડકાર રજૂ કર્યો છે. એનડીએએ ફરીથી ઓમ બિરલાને સ્પીકર પદ માટે નોમિનેટ કર્યા છે, જ્યારે વિપક્ષે કોંગ્રેસના સાંસદ કે. સુરેશને મેદાનમાં ઉતાર્યા છે.