નવી દિલ્હી : કોંગ્રેસ નેતાઓએ રવિવારે સ્વીકાર્યું કે નીતીશ કુમારનું INDIA ગઠબંધનમાંથી અલગ થઈ જવું એ અસ્થાયી આંચકો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમના આ પગલાથી રાષ્ટ્રીય ચૂંટણી પહેલા વિપક્ષી એકતાને અસર નહીં થાય. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે તે સારું છે કે નીતિશ કુમારને ઈન્ડિયા ગઠબંધનના સંયોજક બનાવવામાં આવ્યા ન હતા, નહીંતર વિપક્ષી ગઠબંધનને મોટો ફટકો પડ્યો હોત.
આ અંગે કોંગ્રેસ વર્કિંગ કમિટીના પૂર્વ સભ્ય તારિક અનવરે કહ્યું કે, આખરે મને લાગે છે કે નીતિશ કુમારને ઈન્ડિયા એલાયન્સના સંયોજક ન બનાવવામાં આવ્યા તે યોગ્ય હતું. એક રાજનેતા તરીકેની તેમની વિશ્વસનીયતા પર હંમેશા પ્રશ્નાર્થ રહ્યો અને જો તેઓને વિપક્ષી ગઠબંધનનું પ્રમુખ પદ આપ્યા બાદ આ બન્યું હોત તો તે વધુ ખરાબ હોતું. ભાજપ સાથે હાથ મિલાવીને બિહારમાં નીતીશ કુમારની વિશ્વસનીયતા કલંકિત થઈ છે.
તારિક અનવરે વધુમાં કહ્યું કે, નીતીશ કુમારનું ઈન્ડિયા ગઠબંધન છોડવું એક નાનો આંચકો હોઈ શકે છે, પરંતુ તેમના આ પગલાથી ઈન્ડીયા ગઠબંધન પર કોઈ મોટી અસર નહીં થાય. હવે કોંગ્રેસ, આરજેડી અને ડાબેરી પક્ષો માટે વધુ બેઠકો ઉપલબ્ધ છે, જે બિહારમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા પર કામ કરશે અને લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે. પશ્ચિમ બંગાળમાં પણ TMC પ્રમુખ અને મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે તે આગામી રાષ્ટ્રીય ચૂંટણી એકલા હાથે લડશે. પરંતુ તે હજુ પણ ઈન્ડિયા ગઠબંધનનો ભાગ છે.
આ દરમિયાન AICC ગુજરાતના પ્રભારી સચિવ બી.એમ. સંદીપ કુમારે કહ્યું કે, નીતિશ કુમારની વિશ્વસનીયતા હંમેશા શંકાસ્પદ રહી છે. તેમણે છેલ્લા વર્ષોમાં ઘણી વખત વફાદારી બદલી છે. તેમણે કોંગ્રેસ અને RJD માં જોડાવા માટે ભાજપ છોડી દીધું અને હવે તેઓ તેમની સાથે પાછા ફર્યા છે.
મહારાષ્ટ્રના AICC પ્રભારી સચિવ આશિષ દુઆએ કહ્યું કે, નીતિશ કુમારની વિશ્વસનીયતા શંકાના દાયરામાં છે. ભાજપ સાથે તેમનો હાથ મિલાવવો તેમને અને ભગવા પક્ષને બેનકાબ કરે છે. જ્યારે ભાજપે કહ્યું હતું કે નીતિશ કુમાર માટે તેમના દરવાજા બંધ છે. જેડી-યુ નેતાએ કહ્યું હતું કે ભાજપમાં પાછા જવાને બદલે મરી જવાનું પસંદ કરશે, તેવા બધા મોટા દાવાનું શું થયું ?
આશિષ દુઆએ વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-શિવસેના, UBT અને NCP વચ્ચે બેઠક વહેંચણીની વાતચીત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે. યુપી મુશ્કેલ રાજ્ય લાગતું હતું પરંતુ ત્યાં ખૂબ જ સારી શરૂઆત થઈ છે. તેવી જ રીતે અન્ય રાજ્યોમાં પણ સીટોની વહેંચણી સરળતાથી થશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધનના સહયોગીઓ વચ્ચે બેઠકોની વહેંચણીની વાતચીત સારી રીતે આગળ વધી રહી છે. વિપક્ષી જૂથ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રવિવારે જલપાઈગુડીથી પશ્ચિમ બંગાળમાં ફરી શરૂ થઈ છે. ભારત જોડો યાત્રાએ ભાજપને પરેશાન કરી હતી. કારણ કે પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી બેરોજગારી, મોંઘવારી અને સામાજિક ન્યાયની જરૂરિયાત જેવા સાચા જાહેર મુદ્દાઓ ઉઠાવી રહ્યા હતા.
આસામના AICC પ્રભારી મહાસચિવ જિતેન્દ્ર સિંહે કહ્યું કે, રાહુલ ગાંધીનો સંદેશ દેશના લોકોમાં ગુંજી રહ્યો છે અને તેનાથી ભાજપ પરેશાન છે. જુઓ કેવી રીતે આસામમાં યાત્રાને નિશાન બનાવવામાં આવી હતી, પરંતુ લોકોની પ્રતિક્રિયા ખૂબ જ ઉત્સાહજનક હતો. વિપક્ષી ગઠબંધન સારું પ્રદર્શન કરી રહ્યું છે અને આગામી ચૂંટણીમાં સાથે મળીને લડશે.
કોંગ્રેસના મીડિયા પ્રમુખ પવન ખેડાએ કહ્યું કે, જો ભાજપને તેના દાવા મુજબ રાષ્ટ્રીય સ્તરે 400 બેઠકો મળવાનો વિશ્વાસ છે, તો બિહારમાં વિપક્ષી ગઠબંધનને તોડવાની અને નીતિશ કુમારને પરત ખેંચવાની શું જરૂર હતી. લોકોને આ યાત્રાનો ન્યાયનો સંદેશ ગમ્યો છે અને તેનાથી ભાજપ ગભરાઈ ગયું છે. અમને ખબર નથી કે નીતિશ કુમાર ED કે CD ના કારણે ભાજપમાં પાછા જઈ રહ્યા છે. અમે એ જાણવા છતાં પણ અમે ચુપ રહ્યા કે તેઓ જઈ રહ્યા છે.