નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રવિવારના રોજ ભારતીય સેનાને અચંબીત કર્યો નિર્ણય લીધો છે. ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેની સેવા એક મહિનો વધારીને 30 જૂન સુધી કરવાની મંજૂરી આપી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, જનરલ પાંડેના ઉત્તરાધિકારીની નિમણૂક હવે 4 જૂને યોજાનારી લોકસભા ચૂંટણીના પરિણામો પછી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના આર્મી ચીફ જનરલ મનોજ પાંડે 25 મહિનાના કાર્યકાળ બાદ 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા. આ એક્સટેન્શન એવા સમયે આવ્યું છે જ્યારે હજુ સુધી તેમના ઉત્તરાધિકારીની નિમણૂક કરવામાં આવી નથી.
કેન્દ્ર સરકારનો નિર્ણય : કેબિનેટની નિમણૂક સમિતિએ 26 મે, 2024 ના રોજ ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) જનરલ મનોજ સી પાંડેની નિવૃત્તિની તારીખ વધુ એક મહિના માટે લંબાવવાની મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, સેનાના નિયમો 1954ના નિયમ 16A (4) હેઠળ તેમની નિવૃત્તિની તારીખ 30 જૂન, 2024 સુધી છે. છેલ્લા ઘણા દાયકાઓમાં આ પહેલીવાર છે જ્યારે સરકારે કોઈ સર્વિસ ચીફની સેવામાં વધારો કર્યો છે.
COAS જનરલ પાંડે : તમને જણાવી દઈએ કે જનરલ પાંડેની 30 એપ્રિલ 2022 ના રોજ આર્મી ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમને ડિસેમ્બર 1982માં કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં (ધ બોમ્બે સેપર્સ) કમિશન આપવામાં આવ્યું હતું. COAS તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા મનોજ પાંડેએ આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જનરલ પાંડેને નિવૃત્ત અધિકારીઓના સેમિનારમાં તેમની નિવૃત્તિની વિદાય પણ આપવામાં આવી હતી. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે જૂન મહિનામાં જ વધુ બે વરિષ્ઠ અધિકારીઓ નિવૃત્ત થશે.