લખનૌ : યુપીમાં 100 કરોડ રૂપિયાના માઈનિંગ કૌભાંડના મામલામાં સીબીઆઈએ પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને આવતીકાલે એટલે કે ગુરુવારે દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટરમાં બોલાવ્યા છે. સીબીઆઈએ અખિલેશને સાક્ષી તરીકે સમન્સ પાઠવ્યા છે. આપને જણાવી દઈએ કે માઈનિંગ કૌભાંડના મુખ્ય આરોપી પૂર્વ મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ જેલમાં છે. આ સિવાય ઘણા IAS અધિકારીઓ પણ સીબીઆઈના રડાર પર છે.
ગેરકાયદેસર ખનનનો મામલો : સમગ્ર કેસને લઇને વધુમાં જણાવીએ તો અખિલેશ સરકાર દરમિયાન વિજય દ્વિવેદીએ હમીરપુરમાં થઈ રહેલા ગેરકાયદેસર ખનનને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ખાણો પર પ્રતિબંધ મૂક્યો હતો. આમ છતાં ગેરકાયદેસર ખનન ચાલુ રહ્યું હતું. 28 જુલાઈ, 2016ના રોજ અનેક ફરિયાદો અને અરજીઓ પર સુનાવણી કરતી વખતે, હાઈકોર્ટે ગેરકાયદેસર ખાણકામની તપાસ સીબીઆઈને સોંપી હતી. આ પછી 30 જૂન, 2017 ના રોજ સીબીઆઈએ આ કેસમાં પ્રથમ એફઆઈઆર દાખલ કરી. જ્યારે આ કૌભાંડ થયું ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવે ખાણ મંત્રાલય સંભાળ્યું હતું. જે બાદ આ મંત્રાલય પણ ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને આપવામાં આવ્યું હતું.
કરોડો રૂપિયા રિકવર : એટલું જ નહીં, ત્રણ આઈએએસ અધિકારીઓ બી ચંદ્રકલા, સંધ્યા તિવારી અને ભવનાથ, જેઓ હમીરપુરમાં જ્યારે ગેરકાયદે ખનન થયું ત્યારે ડીએમ હતાં. તેમની પણ સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તેની તપાસ દરમિયાન સીબીઆઈને જાણવા મળ્યું કે માઈનિંગ કૌભાંડ માત્ર હમીરપુરમાં જ નહીં પરંતુ ફતેહપુર, સહારનપુર, કૌશામ્બી, શામલી, દેવરિયા અને સિદ્ધાર્થનગરમાં પણ થયું હતું. આવી સ્થિતિમાં સીબીઆઈએ આ જિલ્લાઓમાં તહેનાત જિલ્લા મેજિસ્ટ્રેટના પરિસરમાં પણ દરોડા પાડ્યા હતાં, જેમાં એજન્સીએ કરોડો રૂપિયા રિકવર કર્યા હતાં. સીબીઆઈ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ આ મામલે તપાસ કરી રહ્યું છે અને તેણે ભૂતપૂર્વ ખાણ મંત્રી અને કૌભાંડના આરોપી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે.