મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે બુધવારે વર્ષ 2001માં મુંબઈમાં હોટેલ વ્યવસાયી જયા શેટ્ટીની હત્યાના આરોપમાં ગેંગસ્ટર છોટા રાજનની આજીવન કેદની સજાને સ્થગિત કરી હતી અને તેને આ કેસમાં જામીન આપ્યા હતા. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બેન્ચે છોટા રાજનને જામીન માટે રૂ. 1 લાખના બોન્ડ ભરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, છોટા રાજન અન્ય અપરાધિક મામલામાં જેલમાં જ રહેશે.
નોંધનીય છે કે આ વર્ષે મે મહિનામાં સ્પેશિયલ કોર્ટે હોટેલ વ્યવસાયીની હત્યાના મામલામાં છોટા રાજનને દોષી ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજને સજા વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગેંગસ્ટરે સજાને સ્થગિત કરવા અને વચગાળાના જામીન આપવાની માગણી કરી હતી.
કોણ હતા જયા શેટ્ટી?
મધ્ય મુંબઈની ગામદેવીમાં આવેલી ગોલ્ડન ક્રાઉન હોટેલના માલિક જયા શેટ્ટીની 4 મે, 2001ના રોજ હોટલના પહેલા માળે છોટા રાજનની ગેંગના બે કથિત શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે જયા શેટ્ટીને છોટા રાજન ગેંગના સભ્ય હેમંત પૂજારી પાસેથી ખંડણીનો ફોન આવ્યા હતા અને પૈસા ન ચૂકવવાના કારણે તેની હત્યા કરવામાં આવી હતી. રાજન પહેલેથી વરિષ્ઠ ક્રાઈમ રિપોર્ટર જે ડેની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે, અને હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.
દત્તા સામંતની હત્યા
ગયા વર્ષે, સ્પેશિયલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોર્ટે છોટા રાજનને 1997માં ગોળી મારીને હત્યા કરાયેલા મુંબઈના જાણીતા ટ્રેડ યુનિયન નેતા ડૉ. દત્તા સામંતની હાઈ-પ્રોફાઈલ હત્યાના માસ્ટરમાઇન્ડિંગના આરોપમાંથી મુક્ત કર્યો હતો.
નક્કર પુરાવાના અભાવે કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું, "આ કેસમાં, ડૉ. દત્તા સામંતની હત્યાના કાવતરાના સંબંધમાં આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવા રેકોર્ડ પર આવ્યા નથી."
ડૉ. સામંતને 16 જાન્યુઆરી, 1997ના રોજ પવઈથી ઘાટકોપર તેમની જીપમાં જઈ રહ્યા હતા ત્યારે પદ્માવતી રોડ પર ચાર લોકોએ ગોળી મારી દીધી હતી. જો કે, 2000 માં આ હત્યા માટે ત્રણ લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા, રાજનનું નામ આ કેસમાં વોન્ટેડ આરોપીઓમાં સામેલ હતું.
તેની 2015માં ઈન્ડોનેશિયામાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની સામેના તમામ પેન્ડિંગ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યા હતા.