મુંબઈ: આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે રવિવારે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં 99 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા 99 ઉમેદવારોમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યના ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેનો પણ સમાવેશ થાય છે.
પ્રથમ યાદીમાં 99 ઉમેદવારોને ટિકિટ
દેવેન્દ્ર ફડણવીસ નાગપુર સાઉથ વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડશે જ્યારે બાવનકુલેને કામઠીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. યાદીમાં નામ આપવામાં આવેલ અન્ય અગ્રણી નેતાઓમાં ઘાટકોપર પશ્ચિમથી રામ કદમ, ચીકલીથી શ્વેતા મહાલે પાટીલ, ભોકરથી શ્રીજયા અશોક ચવ્હાણ અને કંકાવલીથી નીતિશ રાણેનો સમાવેશ થાય છે.
Deputy CM Devendra Fadnavis to contest from Nagpur South* West Assembly constituency.#MaharashtraElection2024 https://t.co/KLTD0Pp9M1
— ANI (@ANI) October 20, 2024
શ્રીજયા છે અશોક ચવ્હાણના પુત્રી
આપને જણાવી દઈએ કે શ્રીજયા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણના પુત્રી છે, જે આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ સિવાય પાર્ટીએ વાંદ્રે પશ્ચિમથી આશિષ શેલાર, મલબાર હિલથી મંગલ પ્રભાત લોઢા, કોલાબાથી રાહુલ નાર્વેકર અને સતારાથી છત્રપતિ શિવેન્દ્ર રાજે ભોસલેને ટિકિટ આપી છે.
20 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી
નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી, શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) 288 સભ્યોની વિધાનસભા માટે 20 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ, ચૂંટણી પંચે ગયા મંગળવારે જાહેરાત કરી હતી કે 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.