નવી દિલ્હી : ભારતમાં ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે, શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ સરકારને સત્તા પરથી હટાવ્યા બાદ બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી જૂથો ઘણા ભારતીય રાજ્યો, ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને આસામમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરશે.
ગુપ્તચર માહિતી : હકીકતમાં, ગૃહ મંત્રાલયમાં સબમિટ કરાયેલ તાજેતરના મલ્ટી-એજન્સી રિપોર્ટમાં જણાવાયું છે કે, બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી જૂથ અંસાર બાંગ્લા ટીમનો (ABT) વરિષ્ઠ નેતા અબ્દુલ્લા તલહ કોલકાતા અને આસામ બંને રાજ્યોમાં ABT બેઝ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
અંસાર બાંગ્લા ટીમ : "ABT" ભારતીય ઉપખંડમાં આતંકવાદી સંગઠન અલ કાયદાનું સંલગ્ન સંગઠન છે, જે તેના સંલગ્ન જૂથો સાથે ABT પણ ભારતમાં પ્રતિબંધિત છે. ભારતના સુરક્ષા સંસ્થાનના સૂત્રોએ શુક્રવારે ETV Bharat ને જણાવ્યું હતું કે, અબ્દુલ્લા તલાહ અગાઉ પણ આસામની મુલાકાતે ગયો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા ઇનપુટ્સને પગલે શેખ હસીના સરકારે તેની ધરપકડ કરી હતી.
ABT હેન્ડલર અબ્દુલ્લા તલહ : ગૃહ મંત્રાલયને સુપરત કરવામાં આવેલા ગુપ્તચર અહેવાલોને ટાંકીને સૂત્રોએ જણાવ્યું હતું કે, 'તલાહ હાલમાં જેલની બહાર છે. ઉત્તર-પૂર્વમાં ABT પાયાના વિસ્તરણના પ્રયાસ પાછળ તે મુખ્ય વ્યક્તિ હતો. તલાહ ફરીથી તેની પ્રવૃત્તિઓ હાથ ધરવા અને ભારતમાં ABT બેઝ સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. આ વર્ષે મે મહિનામાં આસામમાં બે શંકાસ્પદ બાંગ્લાદેશી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. બહાર મિયા અને રેયરલી મિયા તરીકે ઓળખાતા આ બંને શખ્સ રાજ્યમાં ABT પ્રવૃત્તિઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સરહદ પર પેટ્રોલીંગ : દરમિયાન, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ભારત-બાંગ્લાદેશ સરહદ પર ચોવીસ કલાક પેટ્રોલિંગ કરી રહી છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, સરહદ સુરક્ષા એજન્સી બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ વિશે સંવેદનશીલ બનાવવા અને સરહદ વ્યવસ્થાપનમાં તેમનો સહયોગ મેળવવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ પર રહેતા ભારતીય ગ્રામીણો સાથે ગ્રામ્ય સંકલન બેઠક પણ યોજી રહી છે.
સ્થાનિક લોકો સાથે બેઠક : અધિકારીએ વધુમાં કહ્યું, 'છેલ્લા 15 દિવસમાં આવી કુલ 614 બેઠક યોજાઈ છે. જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, સરહદ સુરક્ષાને મજબૂત કરવા માટે આ સમયગાળા દરમિયાન ભાગીદાર એજન્સીઓ સાથે ઘણી બેઠક યોજવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, ભારત-બાંગ્લાદેશ સરહદે સ્થિતિ શાંતિપૂર્ણ છે. BSF આંતરરાષ્ટ્રીય સરહદની પવિત્રતા તેમજ સરહદની નજીક રહેતા લોકોની સુરક્ષા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.
BSF અને BGB બેઠક :
કોઓર્ડિનેટેડ બોર્ડર મેનેજમેન્ટ પ્લાનને (CBMP) ધ્યાનમાં રાખીને BSFના જવાનો BGB સાથે પરસ્પર સહયોગમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા માટે ચોવીસ કલાક ફરજ બજાવી રહ્યા છે. નોંધનીય છે કે, ગૃહ મંત્રાલયની સૂચના બાદ ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિતિની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. ખાસ કરીને બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ બાદ તેની રચના થઈ હતી.
ભારત-બાંગ્લાદેશ સરહદ પર વર્તમાન પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે ગુરુવારે ADG BSF (ઈસ્ટર્ન કમાન્ડ) રવિ ગાંધીની અધ્યક્ષતામાં એક સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (LPAI) તમામ સભ્યોએ હાજરી આપી હતી. આ બેઠક દરમિયાન બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) સાથે વિવિધ સંચારની પ્રગતિ અને બાંગ્લાદેશમાં ખાસ કરીને સરહદી જિલ્લામાં લઘુમતી સમુદાયોની સુરક્ષાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
12 ઓગસ્ટથી બંને સરહદ સુરક્ષા દળોએ વિવિધ સ્તરો પર લગભગ 722 સરહદ બેઠક યોજી છે. બંને સીમા સુરક્ષા દળોએ ઈસ્ટર્ન કમાન્ડની જવાબદારીના ક્ષેત્રમાં સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં 1367 સિંક્રોનસ કોઓર્ડિનેશન પેટ્રોલ્સ (SCP) હાથ ધર્યા હતા. અધિકારીએ કહ્યું, 'આ સરહદી બેઠક દરમિયાન BGB અધિકારીઓને બાંગ્લાદેશી નાગરિકોને ભારતીય ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા રોકવા માટે માહિતી આપવામાં આવી હતી. બેઠક દરમિયાન બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશે (BGB) બાંગ્લાદેશમાં ભારતીય નાગરિકો અને લઘુમતી સમુદાયોના લોકોની સુરક્ષા માટે તમામ પગલાં લેવાની ખાતરી આપી હતી.