અયોધ્યા : વર્ષોની રાહ બાદ રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આ ઐતિહાસિક ક્ષણ બાદ પ્રથમ રામનવમી માટે મંદિરથી લઈને સમગ્ર રામ નગરીમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રામનવમી પર સૂર્યના કિરણો રામલલાના મસ્તકને સતત 4 મિનિટ સુધી શોભાવશે. શુક્રવારે સીબીઆરઆઈ રૂરકીના વૈજ્ઞાનિકોએ તેની ટ્રાયલ પૂર્ણ કરી હતી. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.
બપોરે 12:00 કલાકે ભાલતિલક : સૂર્યભગવાન શ્રી રામની જન્મજયંતિ નિમિત્તે બપોરે 12:00 કલાકે સૂર્યના કિરણો લગભગ 4 મિનિટ સુધી રામલલાની મૂર્તિનું ભાલતિલક સર્જશે. શુક્રવારે સીબીઆરઆઈ રૂરકીના વૈજ્ઞાનિકોએ તેનું સફળ પરીક્ષણ કરી લીધું હતું. હવે રામનવમી પર ભક્તો આ અદ્ભુત નજારો સરળતાથી જોઈ શકશે.
અદ્ભુત દ્રશ્ય જોવા મળશે : પહેલાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ જ આ પ્રયોગ સફળ થશે, પરંતુ વૈજ્ઞાનિકો સૂર્યના કિરણોને રામલલાના મસ્તક સુધી પહોંચાડવામાં સફળ થયા. શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસે કહ્યું કે આ વિશ્વમાં ભગવાન રામનું પ્રથમ મંદિર છે. આ એક ખૂબ જ આકર્ષક મંદિર છે. રામનવમી પર અહીં અદ્ભુત દ્રશ્ય જોવા મળશે. સૂર્યના કિરણો ભગવાન રામલલાના ભાલ પર પડશે, આ વિશ્વમાં આ પ્રકારનું પ્રથમ મંદિર છે.
ભક્તોમાં ભારે ઉત્સુકતા : જ્યારે સૂર્યના કિરણો રામલલાના ભાલપ્રદેશ પર પડશે ત્યારે નજારો ખૂબ જ આકર્ષક હશે. રામનવમીના દિવસે રામલલાના પ્રાગટ્ય સમયે જ સૂર્યકિરણો રામલલાની અર્ચા કરશે. જેને નિહાળવા માટે ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળે છે. ધાર્મિક મહત્વ સમજાવતા આચાર્યએ કહ્યું કે જ્યારે ભગવાન રામલલા પૃથ્વી પર અવતર્યા ત્યારે ભગવાન સૂર્યે એક મહિના માટે અયોધ્યા છોડ્યું ન હતું. આ જ દ્રશ્ય આ વર્ષે ભગવાનની જન્મજયંતિ પર જોવા મળશે.