મુંબઈ : અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસ સભ્યપદ અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણ આજે 13 ફેબ્રુઆરી, મંગળવારના રોજ ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા છે. તેમણે X પર પોસ્ટ કરતાં કહ્યું, આજે મારી રાજકીય કારકિર્દીની નવી શરૂઆત છે. હું આજે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ રહ્યો છું. મને આશા છે કે અમે મહારાષ્ટ્રના રચનાત્મક વિકાસ માટે કામ કરીશું.
અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા : લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો ખેલ શરૂ થઈ ગયો છે. અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. અશોક ચવ્હાણને રાજ્યસભામાંથી નોમિનેશન મળે તેવી ચર્ચા છે. કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ તેમણે કહ્યું હતું કે, બે દિવસમાં નિર્ણય લઈશું. અશોક ચવ્હાણ આજે બપોરે ભાજપ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા અને ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા છે.
રાજ્યસભા માટે ઉમેદવારી કરશે ? સોમવારે કોંગ્રેસના સભ્યપદ અને ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપ્યા બાદ હવે અશોક ચવ્હાણ ભાજપમાં જોડાશે, ત્યારે તેઓને ભાજપ તરફથી રાજ્યસભાની ઉમેદવારી મળે તેવી શક્યતા છે. કારણ કે અશોક ચવ્હાણની ભાજપમાં એન્ટ્રી 15 ફેબ્રુઆરીએ થવાની હતી. પરંતુ અચાનક આજે તેઓ ભાજપમાં જોડાય તેવા અણસાર છે. રાજ્યસભા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખમાં એક દિવસ બાકી છે. તેથી જ અશોક ચવ્હાણ રાજ્યસભામાં જશે તેવી ચર્ચા ચાલી રહી છે.
અશોક ચવ્હાણની પુત્રીની યોજના : અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા ચવ્હાણને ભાજપ તરફથી વિધાનસભાની ઉમેદવારી મળશે તેવી માહિતી મળી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભાજપ પક્ષે અશોક ચવ્હાણને રાજ્યસભામાં મોકલવાની અને તેમની પુત્રી શ્રીજયાને વિધાનસભામાં લઈ જવાની યોજના તૈયાર કરી છે. તેમજ રાજ્યમાં ભાજપની સરકાર આવશે તો શ્રીજયાને મંત્રીપદ મળે તેવી શક્યતા છે. જોકે, આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન સામે આવ્યું નથી.