નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, તેમને તિહાર જેલમાં પાછા જવા અંગે કોઈ 'ટેન્શન કે ચિંતા' નથી. તેમણે કહ્યું કે, જેલમાં જવું એ દેશને બચાવવાના 'સંઘર્ષ'નો એક ભાગ છે.
વચગાળાના જામીન: તમને જણાવી દઈએ કે કેજરીવાલની વચગાળાની જામીન 1 જૂને પૂરી થશે. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા. અરવિંદ કેજરીવાલ પર દારૂના કથિત કૌભાંડનો આરોપ છે. અને હાલ ચૂંટણીના પ્રચાર માટે તેમને કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા.
ઈન્ટરવ્યુમાં ખાસ વાતચીત: જેલમાં પાછા મોકલવાના પ્રશ્ન પર, અરવિંદ કેજરીવાલે ગુરુવાર સાંજે 'પીટીઆઈ વીડિયો'ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, "મને કોઈ તણાવ કે ચિંતા નથી. જો મારે પાછા જેલમાં જવું પડશે, તો હું પાછો જઈશ, "હું મારી જાતને દેશને બચાવવાના 'સંઘર્ષ'નો એક ભાગ માનું છું". જેલમાં વિતાવેલા સમયને યાદ કરતાં કેજરીવાલે કહ્યું કે, તેમણે 'ગીતા', 'રામાયણ' અને દેશના રાજકીય ઈતિહાસ સહિત ત્રણ-ચાર પુસ્તકો વાંચ્યા છે. તેમણે દાવો કર્યો કે તેનાથી તેમનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે.