નવી દિલ્હી: ટીવી સીરિયલ 'અનુપમા' અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગઈ છે. તેણીએ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં સભ્યપદ સ્વીકાર્યુ છે. આ કાર્યક્રમમાં પાર્ટીના નેતા વિનોદ તાવડે અને અનિલ બલુની પણ હાજર હતા.
પાર્ટીમાં જોડાયા બાદ રૂપાલી ગાંગુલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મીડિયાને સંબોધતા અભિનેત્રીએ કહ્યું, 'જ્યારે હું વિકાસનો આ 'મહાયજ્ઞ' જોઉં છું, ત્યારે મને લાગે છે કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે જેથી હું જે પણ કરું તે યોગ્ય અને સારું કરી શકું.
આ વર્ષે માર્ચમાં અભિનેત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. તેણીને પીએમ મોદીએ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટરના એવોર્ડથી સન્માનિત કરી હતી. અભિનેત્રીએ આ ક્ષણ તેના ચાહકો સાથે શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતી વખતે રૂપાલીએ કેપ્શનમાં એક લાંબી નોટ લખી છે.
પોતાના સપના વિશે માહિતી આપતા તેણીએ લખ્યું છે કે, છેલ્લું અઠવાડિયું ખૂબ જ ખાસ રહ્યું. 8 માર્ચ, 2024 મારા જીવનના સૌથી યાદગાર દિવસોમાંથી એક હતો. જેને હું હંમેશા યાદ રાખીશ. હું મારા મનમાં તે દિવસને યાદ કરીને અને ઉત્સાહ અનુભવવાનું ક્યારેય બંધ કરીશ નહીં. આ તે દિવસ હતો જ્યારે મારું સપનું સાકાર થયું અને તે સપનું હતું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનું. તે ખરેખર એક ખાસ ક્ષણ હતી.
તાજેતરમાં જ ભાજપે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતને પાર્ટીમાં સામેલ કરી છે. તેણીને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવી છે. પાર્ટીમાં જોડાયા બાદ અભિનેત્રી જોરશોરથી રેલી કરી રહી છે. તે લોકો સુધી પહોંચવાનો અને તેમની સમસ્યાઓ જાણવાનો પણ પ્રયાસ કરી રહી છે.