પ્રયાગરાજ: માફિયા મુખ્તાર અંસારીના ભાઇ અને ગાઝીપુરના સપા સાંસદ અફઝલ અંસારીને અલાહબાદ હાઇકોર્ટથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે ગેંગસ્ટરના મામલે અફઝલ અંસારીને મળેલ 4 વર્ષની સજાને રદ કરી છે. હાઇકોર્ટે ગાઝીપુરની ટ્રાયલ કોર્ટના ચુકાદાને ફેરવીને સજા રદ કરી છે.
સંસદમાં સભ્યપદનો ખતરો દૂર થયો: હાઈકોર્ટે સજા રદ કરતાં અફઝલ અંસારીની સંસદમાં સભ્યપદ પરનો ખતરો હવે દૂર થઈ ગયો છે. જસ્ટિસ સંજય કુમાર સિંહની સિંગલ બેન્ચે અફઝલ અંસારીની અપીલ સ્વીકારી છે અને તેની સજા રદ કરી છે. તમને જણાવી દઈએ કે, આ મામલામાં સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે 4 જુલાઈના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
ગેંગસ્ટર કેસમાં અંસારીને 4 વર્ષની સજા: અફઝલ અંસારીને ગેંગસ્ટર કેસમાં ગયા વર્ષે 29 એપ્રિલે 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અફઝલ અંસારીને જેલમાં જવું પડ્યું કારણ કે, તેને 4 વર્ષની સજા થઈ હતી અને તેનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા સજા પર સ્ટે મુકવાને કારણે અફઝલનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અફઝલ અંસારી ફરી ગાઝીપુરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. આ વખતે અફઝલ અન્સારી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.
હાઈકોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી: ગાઝીપુર હાઈકોર્ટના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપતા સાંસદ અફઝલ અંસારીએ કહ્યું કે, મારા કપાળ પર કાળો ડાઘ લગાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તે આજે ધોવાઈ ગયો છે. સંસદની કાર્યવાહીમાં ભાગ લેવાના પ્રશ્ન પર અંસારીએ કહ્યું કે, મને ગઈકાલે પણ રોકવામાં આવ્યો ન હતો. પરંતુ મેં નક્કી કર્યું હતું કે, નિર્ણય આવ્યા બાદ હું સત્રમાં ભાગ લઈશ અને દિલ્હી જવા રવાના થઈ રહ્યો છું. તેણે કહ્યું કે, અસામાજિક લોકોએ મને ગેંગસ્ટર બનાવી દીધો છે.