નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ ફરી એકવાર 'એક રાષ્ટ્ર-એક ચૂંટણી'નો વિરોધ કર્યો છે. આ મામલે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે AAP નેતાઓએ ગુરુવારે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, કેવી રીતે લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી દેશની લોકશાહી, બંધારણીય સિદ્ધાંતો, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે ગંભીર ખતરો છે. આ સંદર્ભે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તા અને પ્રવક્તા જસ્મીન શાહનું એક પ્રતિનિધિમંડળ પૂર્વ રાષ્ટ્રપતિ અને આ સમિતિના અધ્યક્ષ રામનાથ કોવિંદને મળ્યું હતું.
આ તકે પંકજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં એકસાથે મતદાન કરાવવાથી મતદાર પ્રત્યે લોકતાંત્રિક જવાબદારી નબળી પાડશે, અને સરકારોને ચૂંટણી પહેલા દર પાંચ વર્ષે માત્ર એક જ વાર કામ કરવા પ્રોત્સાહિત કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચૂંટણીનું વર્તમાન સ્વરૂપ રોજિંદા શાસનમાં કોઈ અડચણ ઊભું કરતું નથી. કોઈપણ ચૂંટણી પહેલા લાદવામાં આવેલ આદર્શ આચારસંહિતા કોઈપણ નવી યોજનાઓની જાહેરાતને અટકાવે છે.
તેમણે કહ્યું કે આદર્શ આચાર સંહિતાને લઈને કોઈપણ મુશ્કેલીનો સામનો ચૂંટણી પંચના સ્તરે કરી શકાય છે. આ આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓને સ્પષ્ટ કરીને અને રાજ્યોમાં યોજાનારી ચૂંટણીના તબક્કાઓની સંખ્યામાં ઘટાડો કરીને પણ તે પ્રાપ્ત કરી શકાય છે. પંકજ ગુપ્તાએ કહ્યું કે ચૂંટણી લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારોને જવાબદાર ઠેરવવાની તક આપે છે, પરંતુ વન નેશન વન ઇલેક્શન નાગરિકોને આ તકથી વંચિત રાખશે. તેના નાણાકીય પાસાં અંગે તેમણે કહ્યું કે વર્તમાન સ્વરૂપમાં ચૂંટણી પરનો કુલ ખર્ચ ઘણો ઓછો છે, જે કેન્દ્ર સરકારના વાર્ષિક બજેટના માત્ર 0.1 ટકા છે. તેથી, વન નેશન વન ઇલેક્શન દ્વારા નજીવા ખર્ચ ઘટાડવા માટે બંધારણીય સિદ્ધાંતોનું બલિદાન આપવું યોગ્ય નથી.
દરમિયાન AAP નેતા જૈસ્મીન શાહે ઉચ્ચ સ્તરીય સમિતિને જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંસદીય પ્રણાલી, સંઘીય માળખું, લોકશાહી અને મુક્ત અને ન્યાયી ચૂંટણીનું ઉલ્લંઘન કરે છે. તેમજ આવી ચૂંટણીઓ ત્રિશંકુ વિધાનસભા હોય કે સરકાર વિશ્વાસ ગુમાવે તેવા સંજોગોમાં કોઈ ઉકેલ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે ત્રિશંકુ વિધાનસભા માટે વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવિત સામાધાન માટે પક્ષ-પલટુ વિરોધી કાયદાઓને નબળા કરવાની સાથે મોટા પ્રમાણમાં હોર્સ ટ્રેડિંગ અને સૌથી મોટી પાર્ટી દ્વારા શામ દામ દંડનો દુરપયોગને પ્રોત્સાહન આપશે.