નવી દિલ્હી: દિલ્હીમાં ચૂંટણી ઉત્તેજના વચ્ચે કેજરીવાલને સરકારી બંગલો જલ્દી મળી જશે, તેવી ખબર સામે આવી છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે મંગળવારે જણાવ્યું કે, AAP સુપ્રિમો અરવિંદ કેજરીવાલને જલ્દીથી સરકારી નિવાસની ફાળવણી કરવામાં આવશે. કેમ કે, તેઓ એક રાષ્ટ્રીય પાર્ટીના વડા હોવાને લીધે તેઓ સરકારી આવાસના હકદાર છે.
એક પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલનો જવાબ આવતા ખટ્ટરે કહ્યું કે, એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવાને લીધે કેજરીવાલ ટાઇપ 7 બંગલાના હકદાર છે. પરંતુ તેમણે કહ્યું કે, હાલ બધા ટાઇપ 7 બંગલાઓ ભરેલા છે.
ખટ્ટરે કહ્યું કે, "હાલમાં અમારી પાસે ફક્ત ટાઇપ 5 અને 6 બંગલો ઉપલબ્ઘ છે, પરંતુ હાલ ટાઇપ 7 બંગલો ઉપલબ્ધ નથી. જેવો જ તે ઉપલબ્ધ થશે, કેજરીવાલને ટાઇપ 7 બંગલાની ફાળવણી કરી દેવામાં આવશે." આમ આદમી પાર્ટી (આપ) કેજરીવાલ માટે કેન્દ્ર સરકાર પાસેથી આવાસની માંગ કરી રહી છે અને તેમનું કહેવું છે કે, એક રાષ્ટ્રીય પાર્ટીના સંયોજક હોવાને લીધે તેઓ આના હકદાર છે. પાર્ટીએ હાલમાં જ કેન્દ્રીય આવાસ મંત્રાલયને એક પત્ર મોકલીને આ માગનું પુનરાવર્તન કર્યું હતું.
તમને જણાવી દઇએ કે, અરવિંદ કેજરીવાલે સપ્ટેમ્બરમાં દિલ્હીના મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતું. જે પછી તેઓ ઓક્ટોબરમાં AAPના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલના સરકારી આવાસ 5 ફિરોઝશાહ રોડ પર શિફ્ટ થઇ ગયા હતા.
આ પણ વાંચો: