નવી દિલ્હી: આંધ્રપ્રદેશના તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરના પવિત્ર મંદિરમાં ચઢાવવામાં આવતો 'લડ્ડુ પ્રસાદમ' એટલે કે લાડુનો પ્રસાદ તેના અનોખા સ્વાદ માટે પ્રખ્યાત છે. જે સમગ્ર ભારત અને વિદેશમાં વસતા ભક્તોને પણ ખુબ જ પસંદ છે. આ પ્રતિષ્ઠિત લાડુ મંદિરના રસોડામાં કાળજીપૂર્વક બનાવવામાં આવે છે. જેને 'પોટૂ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લાડુ બનાવવાની રેસિપી અત્યાર સુધીમાં માત્ર છ વખત બદલાઈ
તિરુપતિ લાડુ બનાવવાની પ્રક્રિયાને 'દિત્તમ' કહેવામાં આવે છે. લાડુમાં વપરાતી સામગ્રી અને તેની માત્રા નિશ્ચિત છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ લાડુ બનાવવાની રેસિપી અત્યાર સુધીમાં માત્ર છ વખત બદલાઈ છે.
2016ના TTD રિપોર્ટ અનુસાર, લાડુમાં દિવ્ય સુગંધ હોય છે. શરૂઆતમાં, પ્રસાદમની શેલ્ફ લાઈફ વધારવા માટે ચણાના લોટ અને ગોળની ચાસણીમાંથી બનાવેલી બૂંદીનો ઉપયોગ કરવામાં આવતો હતો. બાદમાં, સ્વાદ અને પોષણ વધારવા માટે તેમા બદામ, કાજુ અને કિસમિસ ઉમેરવામાં આવ્યા.
'3 લાખ લાડુ, 500 કરોડનું વેચાણ'
TTD તિરુમાલામાં દરરોજ લગભગ 3 લાખ લાડુ તૈયાર કરવામાં આવે છે અને ભક્તોમાં વહેંચવામાં આવે છે, લાડુના વેચાણથી વાર્ષિક આશરે રૂ. 500 કરોડની કમાણી થાય છે.
લાડુ વિતરણનો ઇતિહાસ
તિરુપતિમાં લાડુ વહેંચવાની પરંપરા 300 વર્ષથી પણ જૂની છે. તેની શરૂઆત 1715માં થઈ હતી. 2014માં તિરુપતિ લાડુને જીઆઈનો દરજ્જો મળ્યો હતો, જે અન્ય કોઈને પણ તે નામથી લાડુ વેચવાથી પ્રતિબંધિત કરે છે.
ગુણવત્તા નિયંત્રણ
અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી લાડુના દરેક બેચની ગુણવત્તા સુનિશ્ચિત કરે છે, જેમાં કાજુ, ખાંડ અને એલચીનો ચોક્કસ જથ્થો હોવો જોઈએ અને તેનું વજન બરાબર 175 ગ્રામ હોવું જોઈએ.
લાડુમાં ચરબીની હાજરી
જુલાઈમાં, લેબોરેટરી પરીક્ષણમાં એઆર ડેરી ફૂડ્સ દ્વારા પૂરા પાડવામાં આવતા ઘીમાં ચરબીની હાજરી બહાર આવી હતી, જેના કારણે ટીટીડીએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં નાખ્યો અને ત્યારબાદ કર્ણાટક મિલ્ક ફેડરેશનને કોન્ટ્રાક્ટ સોંપ્યો હતો. ટીટીડી બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટર પાસેથી ઘી માટે રૂ. 320 પ્રતિ કિલો ચૂકવતી હતી, પરંતુ હવે તે કર્ણાટકમાંથી રૂ. 475 પ્રતિ કિલોના દરે ઘી ખરીદી રહી છે.
શું છે હાલનો વિવાદ?
ગુરુવારે, ટીડીપીની આગેવાની હેઠળની આંધ્રપ્રદેશ સરકારે પ્રયોગશાળા અહેવાલો બહાર પાડ્યા જેમાં YSRC શાસન દરમિયાન પૂરા પાડવામાં આવેલા ઘીમાં ડુક્કરની ચરબી, ટેલો એટલે ગૌમાંસની ચરબી અને માછલીના તેલની હાજરી હોવાનું બહાર આવ્યું હતું. આ માહિતી બહાર આવતા દેશભરમાં ચકચાર મચી ગયો છે. આ ઉપરાંત, લાડુના સ્વાદને લગતી ફરિયાદોને પગલે 23મી જુલાઈના રોજ કરાયેલા વિશ્લેષણમાં નારિયેળ, ફ્લેક્સસીડ, રેપસીડ અને કપાસના બીજ જેવા વનસ્પતિ સ્ત્રોતોમાંથી મેળવેલી ચરબી પણ મળી આવી હતી.
નવા IAS અધિકારીની નિમણૂક
આ પછી જૂનમાં ટીડીપી સરકારે વરિષ્ઠ IAS અધિકારી જે. શ્યામલા રાવને TTDના નવા કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે ગુણવત્તાની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસોમાં લાડુના સ્વાદ અને ટેક્સચરને લગતા મુદ્દાઓની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો