મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા રોહિત પવારે સોમવારે દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળના શાસક એનસીપીના 18 થી 19 ધારાસભ્યો રાજ્ય વિધાનસભાના આગામી ચોમાસુ સત્ર પછી તેમના પક્ષમાં જોડાઈ જશે.
અહીં પત્રકારો સાથે વાત કરતા રોહિત પવારે કહ્યું કે NCPના ઘણા એવા ધારાસભ્યો છે જેમણે જુલાઈ 2023માં પાર્ટીમાં વિભાજન થયા પછી પાર્ટીના સ્થાપક શરદ પવાર અને અન્ય વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ ક્યારેય કંઈ ખરાબ કહ્યું નથી.
"પરંતુ તેઓએ વિધાનસભાના સત્રમાં હાજરી આપવી પડશે અને તેમના મતવિસ્તારો માટે વિકાસ ભંડોળ મેળવવું પડશે. તેથી તેઓ સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોશે એવું પ્રમુખ શરદ પવારના પૌત્રએ જણાવ્યું હતું.
વિપક્ષના ધારાસભ્યએ દાવો કર્યો હતો કે "અમારા અને પવાર સાહેબના સંપર્કમાં 18 થી 19 (NCP) ધારાસભ્યો છે," અને તેઓ ચોમાસુ સત્ર પછી તેમની બાજુમાં આવશે. અહમદનગર જિલ્લાના કર્જત-જામખેડના ધારાસભ્યએ કહ્યું કે શરદ પવાર અને અન્ય એનસીપી (એસપી) નેતાઓ નિર્ણય લેશે કે કોને તેમના પાલામાં પાછા લેવા જોઈએ.
NCPએ 2019ની ચૂંટણીમાં 54 વિધાનસભા બેઠકો જીતી હતી. જુલાઇ 2023માં જ્યારે પાર્ટીનું વિભાજન થયું, ત્યારે અજિત પવારની આગેવાની હેઠળના જૂથે લગભગ 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો. વિધાનસભાનું ચોમાસુ સત્ર 27 જૂનથી શરૂ થશે અને 12 જુલાઈએ સમાપ્ત થશે. ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આ છેલ્લું સત્ર હશે.
અજિત પવારની આગેવાની હેઠળની પાર્ટી ભાજપનો સહયોગી અને સત્તાધારી NDAનો ઘટક છે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં, NCP (SP) એ મહારાષ્ટ્રમાં આઠ બેઠકો જીતી હતી, જ્યારે NCPને માત્ર એક બેઠક મળી હતી.