ગુજરાત

gujarat

વિશેષ લેખ : આવકની અસમાનતા : ખાઈ વધી રહી છે

By

Published : Feb 13, 2020, 11:42 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદે ચૂંટાયા પછી, ડૉનાલ્ડ ટ્રમ્પે એ બધું જ કર્યું જે એક નેતાએ ન કરવું જોઈએ. તેમણે સાથીઓ અને હરીફો સાથે એક સમાન રીતે યુદ્ધ વેપાર શરૂ કર્યું. તેમણે અમેરિકામાં સંપત્તિવાળા અને કૉર્પોરેટો માટે વેરાના દરો ઘટાડ્યા. તેમણે દાવો કર્યો કે આનાથી નવા મૂડીરોકાણ કરવામાં, મોટા વેપારો શરૂ કરવામાં અને અમેરિકી લોકોને નોકરીઓ આપવામાં મદદ મળશે. ટ્રમ્પનાં પગલાંઓ પીટાઈ જશે તેવી ઉદારવાદી અર્થશાસ્ત્રીઓની અટકળો બૂમરેંગ થઈ છે. અમેરિકાનું અર્થતંત્ર અત્યારે ખૂબ જ સારી સ્થિતિમાં છે અને વિકાસના પથ પર દોડી રહ્યું છે.

Income Inequality: The gap is widening
આવકની અસમાનતા : ખાઈ વધી રહી છે

ન્યુઝ ડેસ્ક : ર બે કારીનો દર ૫૦ વર્ષની સૌથી નીચી સ્થિતિએ ૩.૫ ટકા છે જેને પૂરી રોજગારી કહેવાય છે. આજે અમેરિકામાં એ સ્થિતિ છે કે અપરાધીઓ અને દિવ્યાંગોને પણ નોકરી મળી રહી છે. આ બધી તકો બતાવે છે કે ડૉનાલ્ડ ટ્રમ્પ આવનારી પ્રમુખપદની ચૂંટણીમાં જીતે તેવા ઉજળા સંજોગો છે.

ટ્રમ્પની નીતિઓ માટેનો આધાર તેમનો દાવો છે કે સંપત્તિવાન કૉર્પોરેટો પરના વેરામાં ઘટાડો રોજગારી અને વેપાર વૃદ્ધિમાં પરિણમશે. આ વિકાસનાં ફળો છેવટે સમાજના કચડાયેલા વર્ગ સુધી પહોંચશે. તેમના દાવા અંગે ઘણી અસંમતિઓ હતી. તાજેતરના એક અભ્યાસમાં જાહેર થયું છે કે વેરામાં કપાતથી કંપનીઓ પાસે અનેક ટ્રિલિયન ડૉલર બચશે, તેમાંની માત્ર ૨૦ ટકાએ જ નવી નોકરીઓ સર્જવા પર મૂડી રોકી છે. બીજા અનેક અભ્યાસો સંમત છે કે આ વધારાની રકમના ૫૦ ટકા શૅરધારકો પાસે પાછા જ જશે. એવી ટીકા છે કે કંપનીઓ નફો ઉચ્ચતર પ્રબંધનમાં વહેંચે છે, જ્યારે નીચેના કર્મચારીઓને સિંગદાળિયા જેટલી મામૂલી રકમ ચૂકવવામાં આવે છે.

એક અભ્યાસમાં સૂચન કરાયું છે કે આ વધારાની રોકડના માત્ર છ ટકા રકમ જ પગારમાં વધારા માટે વપરાઈ છે. અન્ય અભ્યાસમાં આ રકમ ૨૦ ટકા હોવાનો અંદાજ છે. વધુ એક અભ્યાસમાં જાહેર થયું છે કે ૧૯૭૮થી ૨૦૧૮ સુધીમાં સીઇઓના પગારમાં ૯૪૦ ટકા વૃદ્ધિ થઈ છે જ્યારે કર્મચારીનો સરેરાશ પગાર માત્ર ૧૨ ટકા જ વધ્યો છે. બીજી તરફ, જીડીપીમાં સરકારની નાણા ખાધ ૧૪૪ ટકાએ પહોંચે તેવી ધારણા છે. ડૉનાલ્ડ ટ્રમ્પ નીતિ નિર્ધારણમાં માર્ગારેટ થેચર અને રૉનાલ્ડ રેગનને અનુસરી રહ્યા છે. જોકે અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે આવી નીતિઓ અનર્થકારી સાબિત થઈ શકે છે, પરંતુ રાજકારણીઓ માને છે કે તેનાથી ચૂંટણીમાં સફળતા મળશે.

વર્તમાન રાજકીય અને આર્થિક સ્થિતિના લીધે, ભારત સરકારે પણ વેરામાં કપાતનો માર્ગ લીધો છે. ગયા વર્ષે કૉર્પોરેટ વેરો ૩૦ ટકાથી ઘટાડી ૨૨ ટકા કરી દેવાયો. નવા ઉદ્યોગોએ હવે માત્ર ૧૫ ટકા વેરો જ ચૂકવવાનો રહે છે. વેરામાં કપાતથી નવાં મૂડીરોકાણો આકર્ષાશે તેવી ધારણા છે. પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેના તફાવતને અહીં કાળજીપૂર્વક વિચારવો જોઈએ. પશ્ચિમની કંપનીઓ તેમના ઘરઆંગણે તેમની સંપત્તિમાં મૂડીરોકાણ કરે છે અને દેશની સમૃદ્ધિ વધારે છે. ભારતમાં સ્થિતિ સંપૂર્ણ જુદી છે. વંચિતોનું કોઈ ઉત્થાન થતું નથી, માત્ર સંગ્રહાયેલી સંપત્તિ કાળાં નાણાંમાં ફેરવાય છે. ઑક્સફામનો અંદાજ છે કે ટોચની ૧ ટકા વસતિ દેશની સંપત્તિના ૭૩ ટકા સંપત્તિ ધરાવે છે. ઑક્સફામ ૧૯ સ્વતંત્ર સખાવતી સંગઠનોનો સંઘ છે જે વૈશ્વિક ગરીબી નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

વર્ષ ૨૦૧૮માં, અતિ ગરીબ ૬૭ કરોડ ભારતીયોની સંપત્તિમાં માત્ર એક ટકા જ વધારો થયો. વર્ષ ૨૦૦૬થી ૨૦૧૫ની વચ્ચે, સૌથી ધનવાન લોકોની સંપત્તિમાં એક ટકા વધારો થયો જે રૂ. ૨૧ લાખ કરોડ હતો, જે વર્ષ ૨૦૧૭ની કેન્દ્રીય ખાતાવહી જેટલી રકમ હતી. વર્ષ ૨૦૦૬થી ૨૦૧૫ વચ્ચે, સામાન્ય કામદારોની આવકમાં વાર્ષિક બે ટકાનો વધારો થયો જ્યારે સંપત્તિવાન લોકોની આવક છ ગણી વધી. આવકની અસમાનતા ઘટાડવા માટે, ઑક્સફામે ભલામણ કરી છે કે કંપનીઓ શૅરધારકોના ડિવિડન્ડના રૂપમાં ચૂકવણી ઘટાડે અને તેના બદલે સામાન્ય કર્મચારી ગણના પગારમાં વધારો કરે. તેણે સૂચવ્યું કે કંપનીના વડા અને તેના કર્મચારીઓ વચ્ચે પગારનું અંતર ૨૦ ટકાથી વધારે ન હોવું જોઈએ.

અમેરિકામાં, સૌથી સંપત્તિવાળા લોકો સાહસ મૂડીવાદી બને છે અને સ્ટાર્ટ અપને ભંડોળ આપે છે. જો આમાંનાં પાંચ ટકા સ્ટાર્ટઅપ પણ સફળ નિવડે તો અર્થતંત્ર ફૂલેફાલે. ફેસબુક અને ઉબેર જેવી જાણીતી કંપનીઓને શરૂઆતમાં આવા જ સાહસી મૂડીવાદીઓએ ભંડોળ આપ્યું હતું. અમેરિકામાં કર્મચારીઓના પગારના ભાગ રૂપે શૅર ચૂકવવામાં આવે છે. ભારતમાં ઇન્ફૉસિસ જેવી બહુ થોડી કંપનીઓ આ પ્રથાને અનુસરે છે. સાહસી મૂડીવાદમાં રતન ટાટાનો પ્રવેશ સ્વાગતયોગ્ય પગલું છે.

ભારતમાં સાહસી મૂડીવાદ માટે અનેક કાયદાકીય મર્યાદાઓ છે. સંપત્તિવાનની ઘોષિત અસ્ક્યામતો તેઓ જે ખરેખર માલિકી ધરાવે છે તેના કરતાં ઘણી ઓછી છે. આ છુપી અસ્ક્યામતો રાજકીય ભંડોળ, સિનેમા, બાંધકામ અને અન્ય વેપારો તરફ વાળવામાં આવે છે. આ પૈકી કોઈ નાણાંનો ઉપયોગ રોજગારીના સર્જન માટે થતો નથી. વર્ષ ૨૦૧૪માં હાથ ધરાયેલા કેટલાંક ખાનગી સર્વેક્ષણોમાં જાહેર થયું કે ધનિકોનાં ૯૦થી ૯૭ ટકા કાળાં નાણાં ભારતની નાણા પ્રણાલિમાં ભળી ગયાં છે.

મોદી સરકારે રૂ. ૫૦૦ ને રૂ. ૧૦૦૦ની નોટોને બંધ કરી તેમ છતાં આ પગલાથી કાળાં નાણાંને ધોળાં કરતા અટકાવી શકાયાં નથી. હકીકતે, તેનાથી તમામ ઉદ્યોગોમાં રોજગારીનું નુકસાન થયું છે. રોકડ પ્રવાહ ઘટવાના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી છે. જો પગારમાં વધારો નહીં કરાય તો માલના ઉપભોગમાં વધારો નહીં થાય. જો ઉપભોગ નહીં વધે તો નવા ઉદ્યોગો સ્થાપિત નહીં થાય. નાણા પ્રધાન નિર્મલા સીતારણે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૉર્પોરેટ વેરામાં કપાત મૂકી છે. આ પગલાનાં પરિણામો હજુ દેખાયાં નથી.

અનેક લોકોને આશા હતી કે નવી ખાતાવહીથી વ્યક્તિગત આવક વેરો ઘટશે અને તેના લીધે વધુ રોકડ પ્રવાહ આવશે, પરંતુ ખાતાવહી તે રીતે રજૂ થઈ નહીં. ખાતાવહીએ ગ્રામીણ વિકાસ માટે રૂ. ૧,૨૨,૦૦૦ કરોડ ફાળવ્યા. તેમાંથી રૂ. ૬૧,૫૦૦ કરોડ મનરેગા તરફ વળાશે. આ રકમ ગયા વર્ષની ફાળવણી કરતાં વધુ છે પરંતુ પુનર્વિચારિત અંદાજ રૂ. ૭૧,૦૦૦ કરોડ કરતાં ઓછી છે. નિષ્ણાતોનો મત છે કે નવી ફાળવણીથી અત્યારની જરૂરિયાતો પૂરી નહીં થાય અને ખરેખર કામના દિવસો વધુ ફાળવણી સાથે વધારવા જોઈએ. ગયા વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા બનાવવા માટે રૂ. ૧૯,૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા જ્યારે આ વર્ષે માત્ર રૂ. ૫૦૦ કરોડ ફાળવાયા છે. વડા પ્રધાનની જન આરોગ્ય યોજના (આયુષમાન ભારત) માટે ભંડોળ આ વર્ષે રૂ. ૬,૪૦૦ કરોડ ઍડજસ્ટ કરાયા છે.

શિક્ષણ અને તબીબી સુવિધાઓ પણ વધારવી જોઈએ જેથી ગરીબને વિકાસના લાભનો તેનો હિસ્સો મળી રહે. વધુમાં, ભારતે નિષ્ણાતોની એક સમિતિ દ્વારા સૂચવાયા પ્રમાણે પ્રતિ દિવસ રૂ. ૩૭૫ સુધી લઘુતમ પગાર મર્યાદા વધારવી જોઈએ. પરંતુ વર્ષ ૨૦૧૯માં કેન્દ્રએ લઘુતમ પગાર રૂ. ૧૭૬થી વધારી રૂ. ૧૭૮ કર્યો. શું વૃદ્ધિનો અર્થ પગારમાં માત્ર બે રૂપિયાનો વધારો થાય છે? ગરીબ માટે એક સમાન રોજગારી યોજના દાખલ કરવી જોઈએ. પ્રધાનમંત્રી કિસાન યોજના જમીનવિહોણા કૃષિ શ્રમિકને લાગુ કરાવી જોઈએ જે કૃષિ દળના ૫૫ ટકા છે. પરંતુ વિશ્લેષકો આગાહી કરે છે કે આ યોજનાને ફાળવણી મૂળ અંદાજથી ઓછી પડશે. સરકાર વિકાસનાં ફળો ગરીબને મળે તે માટે કૃતનિશ્ચયી હોવી જોઈએ. સરકાર સાથે, મોટી કંપનીઓ અને અતિ ધનિકોએ પણ આ હેતુને સમર્પિત હોવું જોઈએ.

આવકની અસમાનતા માત્ર ભારત પૂરતી સીમિત નથી. અમેરિકામાં અતિ ધનિકના માત્ર ૧ ટકા કુલ સંપત્તિના ૪૭ ટકા ધરાવે છે. અન્ય વિકસિત રાષ્ટ્રોમાં ૧ ટકા ધનિકો પાસે ૩૪થી ૫૫ ટકા સંપત્તિ છે. તેમાંની ઘણી સંપત્તિ કંપનીના સીઇઓ અને મધ્યમ સ્તરના પ્રબંધન કાર્યકારીઓ પાસે જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રાજમાર્ગો અને બંદરગાહોનાં બાંધકામ જેવી આંતરમાળખાકીય પરિયોજના માટે બૉન્ડ બહાર પાડવાં જોઈએ. વર્ષ ૨૦૧૮ની સ્થિતિએ કુલ અમેરિકી બૉન્ડ બજાર ૧૪ ટ્રિલિયન અમેરિકી ડૉલર છે. આ બૉન્ડના ૬૦ ટકા વિદેશી સરકારો, અમેરિકી ફૅડરલ રીઝર્વ અને અન્ય આર્થિક સંસ્થાઓ ખરીદે છે. ૩૩ ટકા બૉન્ડ ધનિક અને મધ્યમ વર્ગના નાગરિકોએ ખરીદ્યા. ૨૫ વર્ષ પછી આ મૂડીરોકાણ પર સારું વળતર મળી રહ્યું છે. ભારત સરકાર પણ આ જ રીતે સાર્વભૌમ બૉન્ડ પણ બહાર પાડી રહી છે.

ABOUT THE AUTHOR

...view details