નવી દિલ્હીઃ NEET પેપરલીકનો વિવાદ વકરતો જાય છે. આજે યુથ કોંગ્રેસ NEET પેપરલીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહી હતી ત્યારે પોલીસે ત્યાં લાઠીચાર્જ કર્યો હતો. કોંગ્રેસ કાર્યકરો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) નાબૂદ કરવાની અને NEETમાં કથિત ગેરરીતિઓ સામે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. બપોરે પોલીસ જંતર-મંતર પર પહોંચી અને વિરોધમાં ભાગ લઈ રહેલા કાર્યકરોનો પીછો કર્યો અને માર માર્યો. કોંગ્રેસના ઘણા કાર્યકરોની પીઠ અને પગ પર લાકડીઓના નિશા પડી હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓનું એક જૂથ દિલ્હીના ઓખલા સ્થિત NTA ઓફિસમાં ઘુસી ગયું હતું. જો કે હાલ NTA ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા છે. પોલીસે NSUIના કેટલાક કાર્યકરોની અટકાયત કરી છે.
ગુરુવારે સવારથી જ દેશના વિવિધ રાજ્યોમાંથી કોંગ્રેસના યુવા કાર્યકરો હાથમાં પોસ્ટર અને બેનરો લઈને જંતર-મંતર પહોંચ્યા હતા. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ સ્થળે પોલીસે ઉગ્ર લાઠીચાર્જ કર્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરોએ NEET-UG માટે પુનઃ પરીક્ષાની અને પરીક્ષાઓનું કેન્દ્રીકરણ સમાપ્ત કરવાની માંગણી કરી હતી. પીએચડીમાં પ્રવેશ માટે એનટીએ દ્વારા લેવામાં આવતી પરીક્ષાને નાબૂદ કરવાની પણ માંગ ઉઠી હતી.
આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રાલયે NTAના મહાનિર્દેશક સુબોધ સિંહને હટાવી દીધા છે. મેડિકલ પ્રવેશ પરીક્ષામાં કથિત ગેરરીતિઓની તપાસ CBIને સોંપવામાં આવી છે. દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા આસામ અને રાજસ્થાનના કોંગ્રેસ કાર્યકર્તાઓનું કહેવું છે કે, અમને CBI અને ED પર વિશ્વાસ નથી. પરીક્ષા ફરીથી લેવામાં આવે તેમજ હવે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત ન થવી જોઈએ.