સુરતમાં વિવિધ પ્રકલ્પોનું કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કર્યુ ખાત મૂહુર્ત, 230 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામે નવી સુવિધાઓ - Union Minister CR Patil
Published : Aug 5, 2024, 11:47 AM IST
સુરત: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ગોડાદરા ખાતે સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત રૂ.૨૩૦.૫૦ કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.૯૬.૬૦ કરોડમાં ગોડાદરાની માનસરોવર સોસાયટી પાસેનો રેલવે ઓવરબ્રિજ, રૂ.૧૬.૪૩ કરોડમાં હીરાબાગ પાસે વરાછા મેઈન રોડ પરના ફ્લાય ઓવરબ્રિજને જોડતો રેમ્પ, રૂ. ૩૯.૩૬ કરોડમાં, એપીએમસી માર્કેટ પાસેનો ફ્લાય ઓવરબ્રિજ તેમજ રૂ.૧૯.૫૨ કરોડમાં હાઇડ્રોલિક વિભાગના કાર્યો મળી કુલ રૂ. ૧૭૧. ૯૧ કરોડના કાર્યો તેમજ અન્ય કાર્યો સહિત રૂ.૨૩૦.૫૦ કરોડના વિકાસ કાર્યો સામેલ છે. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સીઆર પાટીલે જણાવ્યું હતું કે, સુરતના ભાવિ આયોજન અંતર્ગત શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એવી સુદ્રઢ વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરાઈ છે. તેમણે કહ્યું કે, દસ લાખ ક્યુસેક પાણી પણ જો આવે તો સુરતમાં ક્યારેય પુરની સ્થિતિ ઊભી ન થાય તેવી દીર્ઘદ્રષ્ટિથી સાથે તંત્ર આગળ વધી રહ્યું છે.