સુરતમાં પાડાનું માથું ફેંકી દેવાની ઘટનામાં પોલીસે 100 લોકોની પૂછપરછ કરી, 400 સીસીટીવી ચેક કર્યા - Surat News - SURAT NEWS
Published : Jun 21, 2024, 10:34 PM IST
સુરતઃ અડાજણ-પાલ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે પાલિકાના શાંતિકુંજ ગાર્ડન નજીક મણિભદ્ર રેસીડન્સીની બહાર રોડ પર પાડાનું માથું કાપી ફેંકી દેવાની ઘટના સામે આવતા લોકોની ધાર્મિક લાગણી દુભાતા પોલીસે ગુરુવારે સાંજ સુધીમાં 100થી વધુની પૂછપરછ કરી ઉપરાંત ટેક્નિકલ સર્વેલન્સ આધારે અને વધુ 400 સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. બે દિવસની તપાસ પછી પણ કોણ ફેંકી ગયું તે ખબર ન પડી નથી. પોલીસે પાલિકાની કચરા ગાડીના સ્ટાફની પણ પૂછપરછ કરી છે. અડાજણ પોલીસે આ ગુનામાં આરોપીને પકડવા માટે 20 ટીમો બનાવી તપાસનો દૌર શરૂ કર્યો હતો. જોકે, હજુ સુધી પોલીસને કોઈ ચોક્કસ કડી હાથ લાગી નથી. વધુમાં પોલીસે જણાવ્યું કે પાલિકાની કચરા ગાડી આ વિસ્તારમાંથી 19મી તારીખે સવારે પસાર થઈ હતી. પોલીસે કચરા ગાડીના સ્ટાફની પૂછપરછ કરી હતી. જેમાં સ્ટાફે જે જે રૂટ પરથી કચરો ગાડીમાં ભરી લઈને આવ્યા તે રૂટની વિગતો પોલીસે મેળવી હતી. બીજી તરફ પોલીસે હવે રિવર્સ કેમેરાના ફુટેજની પણ તપાસ કરી રહી છે. જ્યારે પાલમાં મળેલા પશુના અંગો બાબતે પણ પોલીસ સીસીટીવી કેમેરા આધારે તપાસ કરી રહી છે. જેમાં પણ પોલીસને કેમેરામાં 4 એક્ટિવાના ચાલકો શંકાસ્પદ લાગ્યા હતા. જેઓની પોલીસે પૂછપરછ કરી જેમાં પણ કોઈ ચોક્કસ કડી મળી ન હતી.