કીમ નજીક કુંવરદા ગામે મુખ્ય રસ્તા પર 8થી 10 ફૂટનો ભૂવો પડ્યો, તંત્ર પાસે સમારકામનો સમય નથી - Surat News
Published : Jun 18, 2024, 6:05 PM IST
સુરતઃ કીમથી કોસંબા તરફ જતા મુસાફરો સાચવીને જાય. કુંવરદા ગામના પાટિયા પાસે મુખ્ય રસ્તા પર 8થી 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. 1 મહિનાથી વધુ સમય વીત્યો છતાં તંત્ર પાસે કામગીરી કરવાનો સમય નથી. સુરત જિલ્લામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. ગમે તેટલી રજૂઆતો કરો સરકારી બાબુઓને કશો જ ફર્ક પડતો નથી. જ્યાં સુધી કોઈનો જીવ જાય કે પછી કોઈ મોટી દુર્ઘટના ના બને. દુર્ઘટના બન્યા પછી જાણે બ્રહ્મજ્ઞાન આવતું હોય એમ 4-5 દિવસ દેખાવ કરવા કામે લાગતાં હોય છે. અધિકારીઓની આળસના કારણે વધુ એક મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામથી કોસંબા ગામ તરફ જતા રસ્તા પર માંગરોળના કુંવારદા ગામમાં પાટિયા પાસે એક મસમોટા ભૂવો પડી ગયો છે. આ ભૂવો લગભગ એક મહિના પહેલાથી પડેલો છે. ભુવાની ઊંડાઈ અંદાજિત 8-10 ફૂટ છે. કુંવરદા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈએ જણાવ્યું હતું કે, તરસાડી નગર પાલિકાની આ ગટરલાઈન છે. જેમાં મોટો ખાડો પડ્યો છે. આ ખાડાને લઈને લોકોને હાલાકી પડી રહી છે.