કમિશન વધારવાની માંગ, જામનગરમાં સસ્તા અનાજના દુકાનધારકોએ મામલતદારને આપ્યું આવેદન પત્ર
Published : Oct 8, 2024, 10:48 PM IST
જામનગર:જામનગરમાં ગ્રામ્ય વિસ્તારના સસ્તા અનાજના દુકાનધારકો આજરોજ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. વિવિધ પડતર માંગણીઓને લઈને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું છે. ગત તારીખ 2 ઓગસ્ટથી દુકાનધારકો આંદોલન કરી રહ્યા છે. તેઓની કમિશન વધારવાની માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવતાં સંચાલકોએ ઓક્ટોબર માસનો જથ્થો ઉપાડ્યો ન હતો. અને જણાવ્યુ હતું કે જ્યાં સુધી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી લોકોને અનાજ વિતરણ બંધ રાખવાની સસ્તા અનાજ દુકાનધારકોએ ચીમકી ઉચ્ચારી છે. તહેવારના સમયે જ સસ્તા અનાજની દુકાનોને તાળાં લાગતા અનાજ વિતરણ ખોરવાયું છે. આંદોલન ચાલું રહેશે તો નવરાત્રિ ઉપરાંત દિવાળીના તહેવારોમાં પણ ગરીબ વર્ગને અનાજનો લાભ મળી શકશે નહીં. જો કે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે 6 તાલુકાના સસ્તા અનાજની દુકાન ધારકો રાજ્ય વ્યાપી હડતાળ કરી રહ્યા છે.