વલસાડ સહિત સેલવાસ દમણમાં બારે મેઘ ખાંગા, મધુબન ડેમના 4 દરવાજા ખોલાયા - heavy rain in valsad - HEAVY RAIN IN VALSAD
Published : Jul 13, 2024, 8:02 PM IST
વલસાડ: જિલ્લાના વાપી, ઉમરગામ સહિત સંઘપ્રદેશ સેલવાસ અને દમણ વિસ્તારમાં શનિવારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તો, સેલવાસના ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમના કેચમેન્ટ એરિયામાં વધતા પાણીને કારણે ડેમના 4 દરવાજા 0.50 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 8208 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ સાથે જિલ્લાના સૌથી મોટા ડેમ એવા મધુબન ડેમમાં પણ નવા નિરની આવક થઈ છે. મધુબન ડેમમાં હાલ 14216 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 71.60 મીટર પહોંચી છે. ડેમના હાલ 4 દરવાજા 0.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. અને દમણગંગા નદીમાં 8208 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં શનિવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, વાપીમાં અને ઉમરગામ, કપરાડામાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વલસાડ તાલુકામાં સવા ચાર ઇંચ તો, ધરમપુર અને પારડી તાલુકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં સીઝનના પડેલા કુલ વરસાદની વાત કરીએ તો, વલસાડ તાલુકામાં સિઝનનો કુલ 36ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. ધરમપુર તાલુકામાં સિઝનનો કુલ વરસાદ 28 ઇંચ, કપરાડા માં 34 ઇંચ, પારડી માં 27 ઇંચ, વાપી માં 32 ઇંચ અને ઉમરગામ તાલુકામાં કુલ સિઝનનો વરસાદ 33 ઇંચ નોંધાયો છે.