ખાતર લેવા ખેડૂતોની લાંબી કતારોઃ રાધનપુરમાં ખાતરનો સંગ્રહ કરી કાળા કારોબાર થવાની શંકાથી કાર્યવાહીની માગ - FARMERS QUEUE FOR FERTILIZER
Published : Oct 22, 2024, 4:21 PM IST
પાટણ: પાટણ હારીજ સમી રાધનપુર ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. રાધનપુરમાં ખાતરનો સંગ્રહ કરી કાળો કારોબાર કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની શંકા સાથે માગ ઉઠી રહી છે. રાધનપુર શહેરમાં રાત્રિના સમયે વેપારીઓ ખાતરનો કાળો કારોબાર કરતા હોવાના ખેડૂતોના આક્ષેપો સામે આવ્યા છે. યુરિયા અને ડીએપી ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈન લાગી છે ત્યારે ખાતરનો સંગ્રહ કરી કાળો કારોબાર કરતા હોય તો તેવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માગ ઉઠી છે.
રાધનપુર ખાતે યુરિયા અને ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈન લાગી હતી. ત્યારે ખેડૂતોને ખાતર નહીં મળતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને વાવેતર ટાઈમે ખાતરની જરૂર હોય તાત્કાલિક ધોરણે સરકાર ખાતરની વ્યવસ્થા કરે તેવી માગ ઉઠી છે. સાથે જ ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમુક લોકો ખાતરનો સંગ્રહ કરી કાળો કારોબાર કરી રહ્યા હોય તેવું લાગે છે. તેમના સામે કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. મહત્વનું છે કે, વિસ્તારમાં ખાતર ખેડૂતો સુધી ન પહોંચતું હોય રાત્રિના સમયે બારેબાર વેચાઈ જતું હોય તેવી ખેડૂતોની રાવ ઉઠવા પામી છે. ત્યારે ખાતરની તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. સાથે જ રાધનપુરમાં કાળો કારોબાર થતો હોય તો તપાસ કરી આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હાલ ખેડૂતો ખાતર માટે ઘણા દિવસોથી ધક્કા ખાઈ રહ્યા છે.