Gujarat Congress: પોરબંદરમાં NSUIના કાર્યકરો મોઢવાડિયાના માર્ગે ! 75એ રાજીનામાં આપ્યા 350થી વધુ રાહમાં...
Published : Mar 15, 2024, 3:15 PM IST
પોરબંદર: કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા એ જ્યારથી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે, ત્યારથી પોરબંદર જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારો એ પણ રાજીનામાં આપ્યા છે. ત્યારે આજે પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈના તમામ 75 જેટલા હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામીને આપીને કોંગ્રેસને રામ-રામ કર્યા છે. આજે પોરબંદરમાં બપોરે 12 કલાકે NSUI ના પ્રેદશ મહામંત્રી કિશન રાઠોડે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને મીડિયાને જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લા NSUIમાંથી 75 જેટલા હોદેદારો એ મુખ્ય પદ પરથી કોંગ્રેસ માથી રાજીનામું આપ્યું છે. આગામી સમય માં 350 થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ માંથી રાજીનામુ આપશે. આ રાજીનામું આપવાનું કારણ જણાવતા કિશન રાઠોડે કહ્યું હતું કે, અર્જુન ભાઈ મોઢવાડીયાના રાજીનામાં બાદ તેમના ભાઈ રામદેવ મોઢવાડીયાને કોંગ્રેસ પક્ષે ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હતા. આ બાબતને ધ્યાનમાં લઈને પોરબંદર NSUI રામદેવભાઈ સાથે છે. મહત્વપૂર્ણ છે કે, આગામી સમયમાં આ તમામ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. ત્યારે હવે પોરબંદર માંથી કોંગ્રેસ સંપૂર્ણ પણે ખાલી થઈ ગઈ હોઈ એવો ઘાટ સર્જાયો છે.