નવી દિલ્હી:રેલવે મંત્રાલય સાથે મળીને IIT મદ્રાસે હવે ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક વિકસાવ્યો છે, જે 422 મીટર લાંબો છે અને હાઇ-સ્પીડ ટ્રેનને નજીકની વેક્યૂમ ટ્યુબમાં 1,000 કિમી/કલાકની ઝડપે મુસાફરી કરવાની મંજૂરી આપે છે. ઉદા. તરીકે, અમદાવાદથી રાજકોટનું અંતર 215 કિલોમીટર છે. હાઇપરલૂપ માત્ર 22 મિનિટમાં આટલુ અંતર કાપી શકે છે.
X પર સમાચાર શેર કરતા, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું કે, સરકાર-શૈક્ષણિક સહયોગ ભવિષ્યના પરિવહનમાં નવીનતાને પ્રોત્સાહન આપી રહ્યું છે.
રેલ્વે મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આ પ્રોજેક્ટનું નિર્માણ IIT મદ્રાસ કેમ્પસમાં કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 422 મીટરનો પહેલો પોડ ટેક્નોલોજીના વિકાસમાં ઘણો આગળ વધશે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે જ્યારે પ્રથમ બે 10 લાખ ડોલરની ગ્રાન્ટ પછી, 10 લાખ ડોલરની ત્રીજી ગ્રાન્ટ IIT મદ્રાસને હાઇપરલૂપ પ્રોજેક્ટને આગળ વધારવા માટે આપવામાં આવશે. રેલવે ટૂંક સમયમાં પ્રથમ કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.