ભાવનગર : આજે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે પુસ્તકો ધીરે ધીરે કોમ્પ્યુટરમાં સમાતા જાય છે. વાંચકોના વર્ગમાં આજના સમયમાં વધારો થયો કે ઘટાડો તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ઈટીવી ભારત દ્વારા ભાવનગરની 141 વર્ષ જૂની બાર્ટન લાઇબ્રેરી જે સૌરાષ્ટ્રની સૌથી મોટી લાઈબ્રેરી ગણવામાં આવે છે તેની મુલાકાત દરમ્યાન પુસ્તક દિવસે આજની અને જૂની પેઢીને કેટલી રુચિ છે તે સામે આવ્યું હતું.
વિશ્વ પુસ્તક દિવસ : આજે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે પુસ્તક હોય એટલે વાંચન જરૂરી બની જાય છે. આજના સમયમાં નવી પેઢી તેમજ જૂની પેઢીના લોકોને પણ ક્યારેક વાંચન કરવાનો સમય આવે તો થોડોક ક્ષણ માટે કંટાળો જરૂર આવી જાય છે. પરંતુ કહેવાય છે કે પુસ્તક એ જ્ઞાનનો દરિયો છે ત્યારે આ પુસ્તક દિવસે આજની નવી પેઢી અને જૂની પેઢીને કેટલી રુચિ રહી છે, તે જાણવાનો પ્રયાસ કરાયો હતો. પુસ્તકો હંમેશા ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યને મનુષ્યની જિંદગીમાં કોઈને કોઈ ક્ષેત્રે રસપાન કરાવતા આવ્યા છે, પછી એ ક્ષેત્ર કે વિષય કોઈપણ હોય મનુષ્ય તેમાંથી હકારાત્મક અને નકારાત્મક જ્ઞાન પણ મેળવ્યું છે.
141 વર્ષથી અડીખમ જ્ઞાનનો દરિયો બાર્ટન લાઈબ્રેરી : વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ઈટીવી ભારતએ ભાવનગરની બાર્ટન લાઇબ્રેરીની ખાસ મુલાકાત લીધી હતી. ત્યારે નના સંચાલક નીતિનભાઈ જણાવ્યું હતું કે આજે લગભગ 141થી બાર્ટન લાઈબ્રેરી ચાલે છે.
બાર્ટન લાઇબ્રેરીમાં આમ જુઓ તો લગભગ 90,000 ઉપરાંતના જુદી જુદી ભાષાઓના પુસ્તકો છે અને આમ જોવા જાવ તો 5,000 ઉપરના તો પુસ્તકો 100 વર્ષ કરતા પણ વધારે સમયમર્યાદા વાળા છે. આજની પેઢી સુધારા ઉપર આવતી જાય છે. એમાં લોકોને સહકાર છે. ઉતરોતર જુઓ તો સભાસદોની સંખ્યા અત્યારે વધતી જાય છે. લોકોનું આકર્ષણ છે રોજબરોજની સંખ્યા લોકોને વધતી જાય છે...નીતિનભાઈ શુક્લ ( સંચાલક, બાર્ટન લાઈબ્રેરી )
નવી અને જૂની પેઢી પુસ્તક વિશે શું માને છે :આજે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે બાર્ટન લાઇબ્રેરીમાં આવેલા એક વૃદ્ધ વ્યક્તિ અને એક યુવાન વ્યક્તિ સાથે ખાસ વાતચીત કરી હતી. જો કે આજના સમયમાં પુસ્તકોની કિંમત પણ ખૂબ વધી ગઈ હોવાથી લાઇબ્રેરી દરેક વર્ગ માટે અનુકૂળ પડે છે ત્યારે આ બંને યુવા અને વૃદ્ધે પોતાના મત આપ્યા હતા. નાનપણથી બાર્ટનના સભ્ય રહેલા રાજેશભાઇ દેસાઈએ પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો.
બાળપણથી આ બાર્ટનનો સભ્ય છું અને નાનપણથી જ આ પુસ્તકો વાંચુ છું. લગભગ સાત આઠ વર્ષનો હતો ત્યાંરથી વાંચું છું અને પુસ્તક એ માનવનો સાચો મિત્ર છે. માનવીનો વિકાસ જો કોઈ કરી શકે તે પુસ્તક જ કરી શકે એ સિવાય કોઈ કરી શકે નહીં. તમે તારક મેહતા વાંચો આપોઆપ હસવું આવી જાય. આજના સમયમાં ઇન્ટરનેટથી જોઈને એટલું ન વાંચી શકાય જેટલું પુસ્તકમાં જે લખાયેલું છે. પુસ્તક હંમેશા માટે આનંદ આપે છે...રાજેશભાઇ દેસાઈ (વાચક )
પુસ્તક ખરીદીમાં ઓછું પ્રમાણ : બાર્ટન લાઇબ્રેરીમાં આવેલા એક યુવાન વિદ્યાર્થી ચિરાગ બાંભણીયાએ જણાવ્યું હતું કે હું કોલેજ કરું છું સ્ટુડન્ટ તરીકે બધા કોમ્પીટેશન પરીક્ષાની બહુ તૈયારી કરે છે, એટલે બધા બજારમાં ખરીદી કરે છે. બજારમાં પુસ્તકો ખાસ એક વખત વાંચીને મૂકી દેવાના હોવાથી મોંઘી કિંમતના લેવાનું પસંદ કરતાં નથી. ત્યારે લાઇબ્રેરીમાં જોઈએ તે પુસ્તક મળી રહે છે અને પુસ્તકો બદલાવી પણ શકાય છે. આથી પુસ્તકનું મહત્વ છે પણ ખરીદીમાં ઓછું છે.
બાર્ટન લાઇબ્રેરીનો ઇતિહાસ : બાર્ટન લાઈબ્રેરીની સ્થાપનાનો ઈતિહાસ છગનપ્રસાદ દેસાઈ લાઈબ્રેરી સાથે જોડાયેલો છે. કાઠિયાવાડ પ્રદેશમાં સંસ્થાની સ્થાપના તરફની તે પ્રથમ પહેલ હતી. ભાવનગરના લોકો વાંચનની ભૂખ સંતોષવા માટે દિવાન ગૌરીશંકર ઓઝાએ ઈ.સ. 1860માં “શ્રી છગનભાઈ દેસાઈ લાઈબ્રેરી”ની સ્થાપના કરી. આ પુસ્તકાલય પાછળથી “બાર્ટન લાઈબ્રેરી” તરીકે વટવૃક્ષ બનવા તરફની નાનકડા બીજ સ્વરુપ હતું. આ લાઇબ્રેરી 141 વર્ષ જૂની છે. 30મી ડિસેમ્બર, 1882 તેની સ્થાપનાની તારીખ કહેવાય છે. 30મી ડિસેમ્બર, 1882ના રોજ તેનું ઉદ્ઘાટન રાજા તખ્તસિંહજી ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે લાઇબ્રેરીનું નામ અંગ્રેજી પોલિટિકલ એજન્ટ કર્નલ એલ.સી. બાર્ટનના નામ પરથી રાખ્યું હતું. આ સંસ્થા છગન પ્રસાદ લાયબ્રેરી સાથે ગાઢ રીતે જોડાયેલી છે અને ગુજરાતની મહાન સંસ્કૃતિના નકશામાં વિશેષ હોદ્દો ધરાવે છે.
માહિતીનો ખજાનો : શિક્ષણવિદો, સંશોધકો અને બૌદ્ધિકો આ સંસ્થાને માહિતીનો ખજાનો માને છે. વિવિધ વિષયો પરના હજારો ગુજરાતી પુસ્તકો પુસ્તકાલયનું અભિન્ન અંગ છે. રાજ્યનો ઈતિહાસ બાર્ટન લાઈબ્રેરી વિના અધૂરો છે અને ગુજરાતના પુસ્તકપ્રેમીઓની તીવ્ર ઈચ્છા છે કે આ લાઈબ્રેરી દેશની શ્રેષ્ઠ લાઈબ્રેરી તરીકે ઉભરી આવે. નવાપરામાં કોર્પોરેશન પાસે હાલમાં માજીરાજ કન્યાશાળાની વિશાળ ઇમારત ખાતે, શરૂઆતમાં 1882માં બાર્ટન લાઇબ્રેરી હતી. મહાત્મા ગાંધી તેના નિયમિત વાચકોમાં હતાં.
સંસ્થાને લોકોના યોગદાનની જરૂર : બાર્ટનને એક પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે પુનઃસ્થાપિત કરવાનું સ્વપ્ન હજુ ઘણું દૂર છે. આ સંસ્થાને લોકોના યોગદાનની સખત જરૂર છે. આ સંસ્થાને સમૃદ્ધ બનાવવા માટે ભંડોળનો અભાવ ખરેખર ચિંતાજનક છે. આ સંસ્થા પ્રત્યેની કોઈપણ નાણાકીય મદદ 80G હેઠળ કરમુક્ત છે. પુસ્તકાલય પાસે FR ACT 1976 હેઠળ આંતરરાષ્ટ્રીય ભંડોળ મેળવવાની પણ પરવાનગી છે
- Barton Library Bhavnagar: બાર્ટન લાઈબ્રેરીએ 143મા વર્ષમાં મંગળપ્રવેશ કરતા નીકળી પુસ્તક યાત્રા
- Barton Library Bhavnagar: 143 વર્ષમાં પ્રવેશી ભાવનગરની રજવાડા સમયની બાર્ટન લાઈબ્રેરી, અલભ્ય પુસ્તકો થશે ઓનલાઇન કેમ ? જાણો