ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાં ખનીજ માફીયાઓની દાદાગીરી! રેન્જ ફોરેસ્ટ ઓફિસરને મારી નાખવાની ધમકી મળી - WANKANER NEWS

વાંકાનેરમાં ખનીજ ચોરીને અટકાવવા જતા ફરજ પરના અધિકારીઓને ખનીજ માફીયાઓએ મારી નાખવાની ધમકી આપી હતી.

વાંકાનેરમાં ખનીજ માફીયાઓની દાદાગીરી
વાંકાનેરમાં ખનીજ માફીયાઓની દાદાગીરી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2024, 6:56 PM IST

વાંકાનેર: મોરબી જીલ્લામાં ખનીજ ચોરો બેફામ બની ગયા હોય તેવું નજરે પડી રહ્યું છે. છાશવારે ખનીજ ચોરીના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં વાંકાનેરના લુણસર ગામે વન સંરક્ષક ટીમે ખનીજ ચોરી કરતા વાહનોને ઝડપી લેતા વાહન માલિકે આવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી ડમ્પર લઈને નાસી ગયો હતો. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

ધોળા કુવા વિસ્તારમાં સ્ટાફની પેટ્રોલીંગ: વાંકાનેરના વીડી જાંબુડિયા ફોરેસ્ટ ક્વાર્ટરમાં રહેતા મુકેશ સોલંકી લુણસર બીટમાં વનરક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ 12 નવેમ્બરના રોજ બપોરે ફરિયાદી તેમજ નાયબ વન સંરક્ષક અધિકારી ચિરાગ અમીન, મદદનીશ વનસંરક્ષક પ્રતિક નરોડીયા અને રાહુલ વાંક (પરિક્ષેત્ર વન અધિકારી, રામપરા) સાથે જાંબુડિયા હેડ ક્વાર્ટરથી સરકારી વાહનમાં ધોળા કુવા વિસ્તારમાં બનાવવામાં આવેલી પથ્થર દિવાલનું મોનિટરીંગ કરવા ગયા હતા. ત્યારે DCF ચિરાગ અમીને દીવાલ બાજુમાં એક્ષેવેટર દ્વારા ડમ્પરમાં ગેરકાયદે ખનન કરી માટી ભરતા હોવાનું જોઈ લીધું હતું. જેથી RFO રાહુલ વાંકને વાહનોના ફોટો અને વિડીયો લઈને ખાણ ખનીજ વિભાગ આવે ત્યાં સુધી રોકી રાખવા સુચના આપી હતી.

વાંકાનેરમાં ખનીજ માફીયાઓની દાદાગીરી (Etv Bharat Gujarat)

ખનીજ માફીયાઓએ ડમ્પરથી કચડવાનો પ્રયાસ કર્યો: જે બાદ ફરિયાદી મુકેશ સોલંકી અને રાહુલ વાંક બંને વાહનોના ફોટો અને શૂટિંગ કરતા હતા, ત્યારે એક્ષેવેટર ડ્રાઈવર અને આઇવા ડમ્પર ડ્રાઈવર ભાગી ગયા હતા. થોડીવાર બાદ વાહન માલિક રમેશ ગમારા સ્થળ પર આવીને વાહનો જવા દેવા બાબતે આજીજી કરવા લાગ્યા હતા. પરંતુ વન સરંક્ષકોએ વાહનો છોડવાની ના પાડી હતી. જેથી રમેશે ગુસ્સે થઈને ધમકી આપીને જતો રહ્યો હતો.

ત્યારબાદ લગભગ પોણા ચાર વાગ્યે બાઈકમાં બે શખ્સો આવ્યા હતા અને બાઈક દુર ઉભું રાખી તેમાંથી એક શખ્સે નજર ચૂકવી ડમ્પરમાં બેસીને ડમ્પર ચાલુ કર્યું હતું. ડમ્પરના લઇ જવા ના પાડવા છતાં ડમ્પર પુરઝડપે જાનહાની પહોંચે તે રીતે ચલાવી અજાણ્યો શખ્સ નાસી ગયો હતો. તેમજ બીજી વ્યક્તિ એક્ષેવેટર લઇ જવા આવ્યો હતો, પરંતુ તેને લઇ જવા ન દેતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વાંકાનેર તાલુકા પોલીસે આરોપી રમેશ ગમારા, આઇવા ડમ્પરનો ચાલક અને બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. તો ડીવાયએસપી એસ.એચ.સારડા એ જણાવ્યું હતું કે, 'ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં જરૂરી ડોક્યુમેન્ટ અને મશીનરી કબજે કરી આરોપીઓને અટક કરવાની કામગીરી કરવામાં આવશે.'

આ પણ વાંચો:

  1. બોપલ સ્ટુડન્ટ હત્યા કેસ: આરોપી પોલીસકર્મીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં શું નવા ખુલાસા થશે?
  2. વલસાડના ચાવશાળા ગામમાં મહિલાની હત્યા, સાવકા પુત્રએ દાતરડાથી ગળું કાપ્યું હોવાનો આરોપ

ABOUT THE AUTHOR

...view details