વાપી:અમદાવાદમાં એક તરફ ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઈને ઠેરઠેર ભગવાન સમા ગણવામાં આવતા તબીબોના રુપમાં જોવા મળેલા લાલચુ તબીબો સામે ફિટકાર થઈ રહ્યો છે અને તે તબીબો સામે ફરિયાદો પણ થઈ રહી છે. ત્યારે તબીબને ભગવાનનું રુપ કેમ કહેવામાં આવે છે તેનો એક વિપરિત કિસ્સો વાપીમાં જોવા મળ્યો છે.વાપીમાં આવેલી હરિયા હોસ્પિટલમાં એક 5 વર્ષના બાળકનું અજીબોગરીબ ઓપરેશન કરી તબીબોએ તેને નવજીવન આપ્યું છે. ગરદનના પાછળના ભાગેથી માથાના ભાગે આરપાર નીકળેલા સળિયાને બહાર કાઢી તબીબોએ સફળ ઓપરેશન કર્યું છે. એટલું જ નહીં, અહીં તબીબોના મનમાં વસેલી માનવતાએ શ્રમિક પરિવારના બાળકના ઓપરેશનનો સમગ્ર ખર્ચ હોસ્પિટલ દ્વારા જ ઉપાડવાનો નિર્ણય કર્યો છે.
તબીબોએ 4 કલાકના ઓપરેશન બાદ બાળકને આપ્યું નવું જીવન (ETV Bharat Gujarat) બાળકના માથાની આરપાર નીકળ્યો સળિયો
ગત 12મી ઓક્ટોબરે વાપીની હરિયા હોસ્પિટલમાં એક ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે લાવવામાં આવ્યો હતી. જેનીસ (નામ બદલ્યું છે) નામના આ પાંચ વર્ષના બાળકના માથામાં આરપાર સળિયો ઘુસી ગયો હતો. જેના સફળ ઓપરેશન અંગે હરિયા હોસ્પિટલના ન્યુરોસર્જન વાસુદેવ ચાંદવાણીએ જણાવ્યું હતું કે, વાપીના ભડકમોરા વિસ્તારમાં એક કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કામ કરતા શ્રમિક રવિન્દ્ર રાજભરના પાંચ વર્ષના પુત્ર જેનીસ ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
તબીબોએ ઓપરેશન કરીને સળિયો બહાર કાઢ્યો
જેનીસ નામનો આ બાળક બીજા માળેથી પડી ગયો હતો. અને એક સળીયો તેના ગળાના પાછળના ભાગેથી ઘૂસીને માથાના ભાગે આરપાર નીકળી ગયો હતો. જેથી તાત્કાલિક તેની સારવાર શરૂ કરી હતી. ચાર કલાકના ઓપરેશન બાદ સળિયાને બહાર કાઢવામાં આવ્યો હતો.
તબીબે જણાવ્યું હતું કે, સળીયો મગજના ડાબા હિસ્સામાં આરપાર નીકળી ગયો હતો જેમાં લોહીની મુખ્ય નસને પણ ઇજા પહોંચી હતી. એ ઉપરાંત આંખની અમુક નસો પણ એ ભાગમાં હોય આ ઓપરેશન ખૂબ જ સાવધાની અને સાવચેતી પૂર્વક કરવામાં આવ્યું હતું.
હરિયા હોસ્પિટલની તસવીર (ETV Bharat Gujarat) હાલમાં કેવી છે બાળકની તબિયત?
આ સફળ ઓપરેશન બાદ આજે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. સળિયાના કારણે તેની આંખને કે મગજને લોહી પૂરું પાડતી નસને કોઈ જ તકલીફ પડી નથી. એક મહિના સુધી આ બાળકની સારવાર કરવામાં આવી હતી. જે બાદ તેને હાલમાં રજા આપવામાં આવી છે.
હોસ્પિટલે ઉઠાવ્યો બાળકની સારવારનો ખર્ચ
ગળાથી માથાના ભાગે આરપાર ઘુસેલા સળિયા સાથે આ બાળકને તેમના પિતા અને સ્વજનો હોસ્પિટલમાં લાવ્યા હતાં. આ શ્રમિક પરિવાર પાસે બાળકના ઓપરેશનના પૈસા પણ નહોતા તેથી બાળકને બચાવવા માટે ઓપરેશન સહિતનો તમામ ખર્ચ પણ હોસ્પિટલે પોતે ઉપાડ્યો હતો. ઓપરેશન બાદ હાલમાં બાળકને કોઈ જ પ્રકારનું ઇન્ફેક્શન કે બીજી કોઈ તકલીફ પડી નથી. 12 નવેમ્બરે બાળકને રજા આપવામાં આવી હતી.
તબીબોએ લોકોને શું સલાહ આપી?
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ઘટનાઓ અંગે તબીબે જણાવ્યું હતું કે, જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ ઘટના બને ત્યારે બાળકને અથવા તો જે તે વ્યક્તિને કોઈપણ પ્રકારનો સળીયો ઘૂસી ગયો હોય તો તે બહાર કાઢવાની કોશિશ કરવી નહીં, તે દર્દીને સીધા હોસ્પિટલમાં લાવે અને હોસ્પિટલમાં ઓપરેશન દ્વારા જ તે સળીયો બહાર કાઢવામાં આવે તો તેમાં લોહીનો વ્યય ઓછો થાય છે. અને દર્દીની જિંદગી બચાવી શકાય છે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતાં લોકોએ હેલ્મેટ, બુટ સહિતના સુરક્ષાના સાધનો પહેરીને કામ કરવું જોઈએ. કન્સ્ટ્રક્શન સાઈટ પર અથવા તો પોતાના ઘરે બાળકોને બાલ્કનીથી દૂર રાખવા જોઈએ. બાલ્કનીની આસપાસ ઝાળીનું સુરક્ષા કવચ રાખવું જોઈએ. જેથી આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી શકે છે.
આ પણ વાંચો:
- 40% બ્લોકેજને 80% બતાવી એન્જિયોપ્લાસ્ટી કરી નાખી, ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં કયા કાંડ સામે આવ્યા?
- માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા..! માંડવીથી પકડાયેલો દીપડો રિહેબિલિટેશન સેન્ટરનો 'પ્રથમ કેદી' બન્યો