ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે પાંચ કલાકમાં જ ભુજથી અમદાવાદ, કચ્છમાં વંદે મેટ્રો ટ્રેનનું સફળ પરીક્ષણ - Vande Metro Train trial

ટૂંકા સમયમાં કચ્છને નવી વંદે મેટ્રો ટ્રેન મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલમાં જ અંજાર પાસે ટ્રેન પસાર થતી જોવા મળી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વંદે મેટ્રો ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું અને તે 110 km ઝડપે પાંચ કલાકમાં અમદાવાદથી ભુજ પહોંચી હતી. Vande Metro Train trial

કચ્છને મળશે "હાઈ સ્પીડ ટ્રેન"
કચ્છને મળશે "હાઈ સ્પીડ ટ્રેન" (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2024, 1:19 PM IST

કચ્છ :વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કચ્છમાં થઈ રહ્યું છે ? આવા જ કંઈક હાલમાં દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂર્વ કચ્છના અંજારના ભીમાસર પાસે ટ્રેન પસાર થતી જોવા મળી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બીજી તરફ ભુજના રેલવે સ્ટેશન પર પણ વંદે મેટ્રો ટ્રેન પહોંચી તથા રેલવે વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ચકાસણી કરતા જોવા મળ્યા હતા.

વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ :કચ્છમાં સેમી હાઈ સ્પીડ ટ્રેનની પ્રબળ માંગ હતી, તે હવે પૂર્ણ થવા જઈ રહી છે. રવિવારના રોજ અમદાવાદ-ભુજ વચ્ચે અત્યાધુનિક વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં જ કચ્છથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આ ટ્રેન દોડાવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં પણ આગામી સમયમાં સેમી હાઈ સ્પીડ ટ્રેનનો દોર શરૂ થશે.

કચ્છને મળશે "હાઈ સ્પીડ ટ્રેન" ! વંદે મેટ્રો ટ્રેનના ટ્રાયલનો વિડીયો વાયરલ (ETV Bharat Gujarat)

પાંચ કલાકમાં અમદાવાદથી ભુજ :રેલવે વિભાગમાંથી મળતી માહિતી અનુસાર રવિવારે સવારે અમદાવાદથી સવારે 8 વાગ્યે વંદે મેટ્રો ટ્રેન ભુજ માટે નીકળી હતી. રેલવે ટ્રેક ટુરમાં વિરમગામ, ધ્રાંગધ્રા, સામખિયાળી, ગાંધીધામ સહિતના સ્ટેશન ખાતે સ્ટોપ કરી ટ્રેન 5 કલાકના સમય ગાળામાં ભુજ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી. બાદમાં ટ્રેન ભુજથી 1.40 વાગ્યે પરત અમદાવાદ માટે રવાના થઈ હતી.

મુસાફરીનો સમય ઘટશે :ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ટ્રેનને ભુજથી ગાંધીધામ પહોંચતા દોઢ કલાક જેટલો સમય લાગે છે, પરંતુ વંદે મેટ્રો ટ્રેન માત્ર 1 કલાકમાં ગાંધીધામ પહોંચી હતી. આ ઉપરાંત કચ્છથી દોડતી સયાજી નગરી, કચ્છ એક્સપ્રેસ સહિતની સુપર ફાસ્ટ ટ્રેનો ભુજથી અમદાવાદ વચ્ચે 6:30 કલાક જેટલો સમય લે છે. તો એ.સી સુપરફાસ્ટ એક્સપ્રેસ 5 કલાક 50 મિનિટમાં ભુજથી અમદાવાદ પહોંચે છે.

110 km ઝડપે દોડી વંદે મેટ્રો :વંદે મેટ્રો સેમી હાઈ સ્પીડ ટ્રેનના અન્ય ટ્રેનોની સરખામણીએ ભુજ અમદાવાદ વચ્ચે 1:30 કલાકનો સમય બચાવે છે. રેલવે વિભાગ દ્વારા આ સેમી હાઈ સ્પીડ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડાવાય છે. પરંતુ ભુજ-અમદાવાદ સેકશનમાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ક્ષમતા છે, જે મુજબ વંદે મેટ્રો ટ્રેનની 110 ની ઝડપે ટ્રાયલ કરવામાં આવી હતી.

કચ્છને મળશે "હાઈ સ્પીડ ટ્રેન" ?વંદે મેટ્રો ટ્રેનના ટ્રાયલમાં ખાસ તકનિકી અધિકારીઓની ટીમ સાથે રહી હતી. અમદાવાદ-ભુજ વચ્ચેનો સમય સહિત બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. આ અધિકારીઓ ટ્રાયલ અંગેનો રિપોર્ટ તૈયાર કરીને રેલવે બોર્ડને સોંપશે અને જો ટ્રાયલ સફળ રહી તો ટ્રેનની શરૂઆત કરવામાં આવશે. નહીં તો બીજી વખત ટ્રાયલ કર્યા બાદ આગળના નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 13 ઓગસ્ટના રોજ વંદે મેટ્રો ટ્રેનની રેક સાબરમતી યાર્ડમાં આવી ગઈ હતી. સંભવત ટૂંક સમયમાં જ કચ્છથી અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે.

  1. કચ્છમાં વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ: ટુંક સમયમાં કચ્છમાં નવી વંદે ભારત ટ્રેન દોડે તેવી શકયતા
  2. "પલક ઝબકતા છૂ"દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન, 130 kmph પૂરપાટ ઝડપ

ABOUT THE AUTHOR

...view details