વલસાડઃ દારૂની હેરફેર માટે બુટલેગરો અનેક કિમીયાઓ અજમાવતા હોય છે. જો કંઈના સૂઝે તો ફિલ્મોમાંથી જોઈ જોઈને પણ બુટલેગરો શીખતા હોય છે. આવી જ એક ઘટના વલસાડ હાઈવે પર ધરમપુર ચોકડી પર બની છે. વલસાડ સિટી પોલીસે એક એબ્યુલન્સ અટકાવી તેની જડતી લેતા દર્દીને બદલે દારુ ઝડપાયો.
સમગ્ર ઘટનાક્રમઃ વલસાડ સિટી પોલીસને ધરમપુર ચોકડી પરથી દારુની હેરફેર થવાની ચોક્કસ બાતમી મળી હતી. આ પૂર્વ બાતમીને આધારે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન ધરમપુર ચોકડી પાસે હાઈવે પરથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરી હતી. એમ્બ્યુલન્સ નંબર જી જે 18 BT 6220 આવી પહોંચતા પોલીસે તેને અટકાવી પાછળનો દરવાજો ચેક કરતા પોલીસ ચોકી ઉઠી હતી. દરવાજો ખોલતા તેની અંદર દર્દી નહીં પરંતુ દારૂ ભરેલા બોક્સીસ મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો. વલસાડ સિટી પોલીસે કુલ રૂપિયા 15,000નો દારૂ કબજે લીધો હતો. ડી. એન. મહેતા સાર્વજનિક (પારસી) હોસ્પિટલ નવસારીની એમ્બ્યુલન્સ હોવાનું સામે આવ્યું છે.