વડોદરા: વડોદરા પોલીસ હાલ એક ખાસ કારણથી ચર્ચામાં આવી છે. 31st ડિસેમ્બરને લઈને ગુજરાતભરની પોલીસ એલર્ટ છે. દારૂબંધી છતાં લોકો દારૂનો નશો કરતા હોય છે, જેને લઈને ઘણા દિવસથી પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. વડોદરામાં પણ પોલીસ દ્વારા આ પ્રકારની ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં દારૂડિયાને પકડવા માટે પોલીસે પ્રાથમિક તપાસના ભાગ રૂપે રોડ પર દોરેલી સફેદ લાઈન પર લોકોને ચલાવ્યા હતા.
નબીરાઓને પકડવા પોલીસનો કીમિયો
હકીકતમાં વડોદરા શહેરમાં નવા વર્ષની ઉજવણી પહેલા દારૂને વાહન હંકારતા નબીરાઓને પકડવા પોલીસ માટે સક્રિય બની છે. શહેરમાં સોમવારે રાત્રે પોલીસ દ્વારા જાહેર માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને રોકીને તેમની તપાસ કરવામાં આવી હતી. વાહન ચાલકો નશામાં છે કે નહીં તે ચકાસવા માટે પોલીસ દ્વારા અનોખી તરકીબ અજમાવવામાં આવી હતી અને વાહન ચાલકોને રસ્તા પર દોરેલી સફેદ કલરની સીધી લાઈન પર ચાલવા માટે કહેવાયું હતું. જેના વીડિયો પણ સામે આવ્યા છે.