વડોદરા:ગઈકાલે સાંજે વડોદરા શહેરમાં ફતેગંજ સર્કલ નજીક એક સ્કૂટર ઉપર સમોસા લેવા નીકળેલા એમએસ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓને એક કાર ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેથી લોકોએ કારચાલકનો પીછો કરી ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. વડોદરાના સાંસદે બે કલાકમાં જ હિટ એન્ડ રનના આરોપીને છોડાવ્યો હતો. લોક મુખે ચાલતી ચર્ચાઓ મુજબ કાયદો અને વ્યવસ્થા કોના માટે ? આમ જનતા માટે ? માત્રને માત્ર મોટા માછલાઓ કાયદા અને નિયમો માંથી છટકી જતા હોય છે એટલું જ નહીં પરંતુ તાજેતરમાં જ હરણી ખાતે બનેલી બોટની દુર્ઘટનામાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ છે.
Vadodara News: હિટ એન્ડ રનના બનાવમાં આરોપીને છોડાવવા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ વ્હારે આવ્યા, સર્જાયો વિવાદ - વડોદરા હિટ એન્ડ રન કેસ
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ગઈકાલે રાત્રે બનેલા હિટ એન્ડ રનના બનાવમાં આરોપીને છોડાવવામાં વિવાદમાં આવ્યા છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Published : Feb 20, 2024, 7:15 PM IST
વાયરલ વીડિયો અંગે સાંસદ રંજનબેન ભટ્ટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કુશ મારો ઓળખીતો છે અને એનાં ઘરમાં લગ્ન હતાં અને તેને કન્યાદાન કરવાનું હતું. તેઓ ફોટો શુટ માટે પેલેસમાં જઇ રહ્યાં હતાં. ત્યારે ઇજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓ રોંગ સાઇડ હતાં અને લાયસન્સ પણ ન્હોતું અને એક્ટિવા પણ તેઓની માલિકની ન હતી. મામલો વધુ ગંભીર ન થાય અને સામસામે ફરિયાદ ન થાય અને બંનેને મુશ્કેલી ન પડે તેવાં મારા પ્રયાસ હતાં. પાડોશી ધર્મ નિભાવવા હું ત્યાં ગઇ હતી. રંજનબેન ભટ્ટ ઇજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓનું પણ ભવિષ્ય ન બગડે તેમનાં સામે ફરિયાદ ન થાય તેવો મારો પ્રયાસ હતો હું કોઇ આરોપીને બચાવવા ગઇ ન હતી. કારણ કે કુશ ઉપર એફઆઇઆર થઇ ચુકી હતી. મેં પોલીસ ઉપર કોઇપણ જાતનું દબાણ કે દાદાગીરી કરી નથી. મારો એવો કોઇ ભાવ ન હતો કે હું કંઇ ખોટું કર્યું. હું હંમેશા લોકોની મદદ કરું છું મેં પોલીસ સ્ટેશન જઇને કુશને છોડાવ્યો ન હોય તે કાયદા મુજબ જામીન ઉપર છુટ્યો છે.
હાલમાં વડોદરા શહેરમાં ચાલતી ચર્ચાઓ મુજબ સમગ્ર ઘટનાની અંદર વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કુશને છોડાવવા માટે ગયા હતા. પરંતુ સમગ્ર વાત બહાર આવી જતાં તેઓએ વાતને આખો યુ ટર્ન આપી દીધો હતો. વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જો આ રીતે વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવે તો તે યોગ્ય ન કહેવાય. રાજકીય નેતાઓ જ આવા ગુનેગારોને જો છાવડતા હોય તો કાયદો અને વ્યવસ્થા કોના માટે ? જેવા અનેક સવાલો વડોદરા શહેરમાં ઊભા થયા હતા.