અમદાવાદ: ઉતરાયણના તહેવારને જ્યારે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે 108 ઈમરજન્સી સેવા દ્વારા પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દર વર્ષ કરતાં આ વખતે વધુ અકસ્માતો થવાની શક્યતાઓ વ્યક્ત કરતા જરૂરી દવાઓ, મેડિકલ કીટ, 108 એમ્બ્યુલન્સ સહિત કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે.
108 ડાયલ કરવાનો પણ અનુરોધ
રાજ્ય સરકારના 108 ઈમરજન્સી સેવા દ્વારા સમગ્ર રાજ્યના નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે, ઉત્સવ દરમિયાન જવાબદારીપૂર્વક ઉજવણી કરવાની અને જરૂરી સાવચેતીઓ રાખવાની અપીલ કરી છે, સાથે જ ઈમરજન્સી સર્જાય તો 108 ડાયલ કરવાનો પણ અનુરોધ કર્યો છે.
અપેક્ષિત ઈમરજન્સીના વધારાને સંભાળવા માટે સજ્જ 108 ઈમરજન્સી સેવા
ગુજરાતમાં પતંગોત્સવ તરીકે ઉજવાતું ઉત્તરાયણ આનંદ, મેળાવડા અને ઉત્સાહભર્યા પળો લાવે છે. તેમ છતાં, છેલ્લાં 4-5 વર્ષના મળેલ આંકડાઓ મુજબ, ઉત્સવ દરમિયાન વધેલા છત ઉપર મોટી ભીડ અને માર્ગ પર ટ્રાફિકને કારણે ઈમરજન્સીમાં ભારે વધારો જોવા મળે છે. 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ (EMS) 14મી અને 15મી જાન્યુઆરી 2025ના રોજ અપેક્ષિત ઈમરજન્સીના વધારાને સંભાળવા માટે સજ્જ છે.
ઈમરજન્સી કેસમાં અપેક્ષિત વધારો થવાની શક્યતા
છેલ્લાં વર્ષોની માહિતીને આધારે, 14મી જાન્યુઆરીએ 28.96% અને 15મી જાન્યુઆરીએ 19.80% ઈમરજન્સીમાં વધારો થવાની આગાહી છે. સામાન્ય દિવસોની સરખામણીએ 14મી જાન્યુઆરીએ 4912 અને 15મી જાન્યુઆરીએ 4563 ઈમરજન્સી નોંધાવાની શક્યતા છે, જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ 3809 ઈમરજન્સી થાય છે. ગુજરાતભરમાં ઈમરજન્સી નોંધાવાની શક્યતા છે, પરંતુ અમદાવાદ, આણંદ, ભાવનગર, બોટાદ, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા અને સુરતમાં 20% થી વધુ વધારો થવાની આગાહી છે.