મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી (ETV Bharat) નખત્રાણા : નખત્રાણા તાલુકાના અમુક વિસ્તારોમાં કમોસમી કરા સાથે વરસાદ પડતા ખેડૂતોને મોટાપાયે કેરીના પાકમાં નુકસાન થયેલું છે. નખત્રાણા તાલુકાના વિભાપર ગામમાં કેરીના બગીચાઓમાં મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી હતી. તો જે કેરીઓ ઝાડ પર છે તેમાં પણ મોટા પ્રમાણમાં કરા લાગવાથી દાગ(ખાડા) પડી ગયા છે જેના લીધે આ કેરીઓ પણ બે દિવસ બાદ ખરી પડશે અને ખેડૂતોને લાખોની નુકસાની થઈ છે અને તૈયાર થયેલા કેરીના પાકનો સોથ વળી ગયો છે.
છેલ્લાં 4 દિવસથી કમોસમી વરસાદ : પ્રી-મોન્સૂન એકિટવિટીના પગલે છેલ્લાં ચાર દિવસથી કચ્છમાં ભરઉનાળે ચોમાસુ માહોલ સર્જી કરા સાથેના વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ત્યારે નખત્રાણા તાલુકામાં પણ વેગીલા પવન સાથે કમોસમી વરસાદ તથા કરા પડયા હતાં. તો આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યુ છે અને ખેડૂતને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
મોટા પ્રમાણમાં કેરી ખરી પડી (ETV Bharat) ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી : નખત્રાણા તાલુકાના વિભપર ગામ ખાતે કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતોને મોટાપાયે કેરીના પાકમાં નુકસાન થયું હતું જ્યારે આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી હતી.ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છની કેસર કેરીની માંગ દેશ વિદેશમાં રહેતી હોય છે અને વર્ષમાં એક વખત આવતા પાક થકી ખેડૂતોની કમાણી થતી હોય છે પરંતુ ગત વર્ષે પણ બિપરજોય વાવાઝોડા અને કરા સાથેના કમોસમી વરસાદના કારણે 50 ટકા જેટલો ઉત્પાદન આવ્યું હતું ત્યારે આ વર્ષે ફરી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
સરકાર ઝડપથી નિરીક્ષણ કરીને વળતર ચૂકવે : યુવા ખેડૂત કપિલ છાભૈયાએ ઈટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ તેમની 10 એકરમાં 1000 જેટલા આંબાના ઝાડનો બગીચો છે તેમાં ગઈકાલે ભારે પવન અને કરા સાથે માવઠું આવતા આ વર્ષે જે કેરીનો ઉત્પાદન સારો આવ્યો હતો તેમાં ભારે નુકસાની થઈ છે અને તમામ માલમાં નુકસાની પહોંચી છે.મોટા ભાગનો પાક ખરી પડ્યો છે તો જે ઝાડ પર કેરીઓ લટકી રહી છે તે પણ બે દિવસ બાદ ખરી પડશે કારણ કે તેમાં પણ કરા લાગ્યા છે જેથી ખાડા પણ પડી ગયા છે અને ફૂગ પણ લાગી જશે. કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ તેમજ બાગાયત વિભાગના અધિકારીઓએ યોગ્ય રીતે નિરીક્ષણ કરીને સર્વે કરીને કંઈ યોગ્ય વળતર આપે તો ખેડૂતોને કંઈ ફાયદો થાય, નહીં તો આંબાના ઝાડ ઉખેડી નાખવાનો સમય આવશે.
ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો : અન્ય ખેડૂત સુમિત ભીમાણીએ જણાવ્યું હતું કે, તેની પાસે 20થી 25 વર્ષ જૂના આંબાના ઝાડ છે જેમાં ગઈ કાલે આવેલા કમોસમી વરસાદ અને કરાના કારણે નુકસાની થઈ છે.2.5 એકરમાં 500 જેટલા આંબાના ઝાડ છે જેમાં હવે 50 ટકા જેવો જ માલ બચ્યો છે.કચ્છના લોકો કચ્છી કેસર કેરીની રાહ જોતા હોય છે ત્યારે આ વર્ષે માલ પણ ઓછો આવશે તો લોકોને મોંઘા ભાવે કેરી ખરીદવી પડશે.આ વર્ષે કેરીનો પાક 15થી 20 દિવસોમાં તૈયાર થઈ જવાનો હતો પરંતુ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. રોકડીયા પાક હોય તો વર્ષમાં 2-3 વાર લઈ શકાય પરંતુ આ કેરીનો પક વર્ષમાં એક જ વખત થતો હોય છે જેમાં નુકસાની પહોંચી છે ત્યારે સરકાર પાસે યોગ્ય વળતરની અપેક્ષા છે.
20થી 25 ટકા જેટલી નુકસાની : બાગાયત વિભાગમાંથી મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે 11750 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે.જીલ્લામાં માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકામાં કેરીનું વાવેતર વધારે પ્રમાણમાં થતું હોય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડા લીધે કેરીના બગીચામાં 20થી 25 ટકા જેટલી આંશિક નુકસાની ગઈ છે.ગઈ કાલ સુધી વરસેલા કમોસમી વરસાદના પગલે હાલમાં ફિલ્ડ નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ વર્ષે 25 થી 30 ટકા ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે.સર્વે બાદ ચોક્કસથી આંકડો સામે આવશે તેવું બાગાયત નાયબ નિયામક મનદીપ પરસાનીયાએ જણાવ્યું હતું.
આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે : ઉલ્લેખનીય છે કે દર વર્ષે કચ્છ જિલ્લામાં કેરીના વાવેતરમાંથી અંદાજિત 65,000થી 80,000 મેટ્રિક ટન ઉત્પાદન થતું હોય છે. ત્યારે આ વર્ષે 75000 મેટ્રિક ટનની આસપાસ ઉત્પાદન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે હાલમાં છેલ્લાં કેટલાક દિવસથી વરસેલા કમોસમી વરસાદના કારણે આ વર્ષે અંદાજિત 60000થી 65000 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન બજારમાં જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
- પૂર્વ કચ્છમાં મોડી રાત્રે ધૂળની ડમરીઓ સાથે વરસાદી ઝાપટાં, કેરીના પાકને નુકસાનની ભીતિ - Unseasonal Rain
- ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરીની પ્રતિદિન આવકમાં જોવા મળ્યો ધરખમ ઘટાડો - Summer 2024 Mango Season