જુનાગઢ: ગીર વિસ્તારના તાલાલા અને ગીર ગઢડા તાલુકામાં છેલ્લાં 24 કલાક દરમિયાન દીપડાનો આતંક સામે આવ્યો છે. ગીર ગઢડાના ફરેડી ગામમાં દિવાળીબેન જોગીયા નામના વૃદ્ધાને દિપડાએ શિકાર બનાવી હતી, તો બીજી તરફ તાલાલામાં ખેતી કામ કરી રહેલા યુવાન ખેડૂત પર દીપડાએ હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, એક જ દિવસમાં દીપડાના બે હુમલાથી ગીર પંથકમાં ભારે ચિંતા જોવા મળે છે
24 કલાકમાં ગીર પંથકમાં દીપડાના બે હુમલા
ગીર પંથક દીપડાના હુમલાથી પાછલા 24 કલાકમાં ભારે ભયમા જોવા મળી રહ્યું છે. ગીર ગઢડા તાલુકાના ફરેડી ગામમાં વૃદ્ધ મહિલા દિવાળીબેન જોગીયા પર રાત્રિના સમયે વાડી વિસ્તારમાં શિકારની લાલચમાં આવેલા દીપડા એ હુમલો કરતા તેમાં વૃદ્ધ દિવાળીબેન જોગીયાનું મૃત્યું થયું હતું, તો બીજી તરફ તાલાલા તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં આવેલા ખેતરમાં ખેતી કામ કરી રહેલા યુવાન ખેડૂત પર દીપડાએ ઘાત લગાવીને હુમલો કરતા ઘાયલ ખેડૂતને ગંભીર હાલતમાં કોડીનાર હોસ્પિટલે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, એક જ રાત્રિમાં દીપડાના બે હુમલા થતા વન વિભાગ પણ ચોંકી ગયું છે, અને જામવાળા રેન્જના વન વિભાગના અધિકારીઓએ બંને સ્થળે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવીને હુમલાખોર દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ કરી છે