રમઝાનમાં ખજૂર ખાઈને રોઝા ખોલવાની પરંપરા સુરત :રમઝાન માસમાં મુખ્યત્વે ખજૂર ખાઈને રોઝો ખોલવામાં આવે છે, ત્યારબાદ જ સરબતનું કે અન્ય ચીજ વસ્તુઓનું સેવન કરવામાં આવે છે. આ વખતે રમઝાનના તહેવારમાં દેશી ખજૂરની સામે સાઉદી અને ઈરાની જેવા સ્પેશ્યલ ખજૂરનું વેચાણ પણ થઈ રહ્યું છે. હાલ બજારમાં રૂ. 200 થી શરૂ કરીને રૂ.1500 સુધીના ખજૂર જોવા મળી રહ્યા છે.
ખજૂર ખાઈને રોઝા ખોલવાની પરંપરા :રમઝાન માસમાં રોઝા ખોલતી વખતે ખજૂર ખાવાની પરંપરા છે. ખજૂરને એનર્જી માટેનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે, સાથે જ સ્વાસ્થ્ય માટે તેના અનેક ફાયદા પણ છે. ખજૂર અશક્તિ દૂર કરવામાં ઘણી મદદ કરતું હોય છે. ખજૂરમાં મેગ્નેશિયમ, વિટામિન બી-6, કેલ્શિયમ સહિતના વિટામિન હોવાથી તેનો મહત્તમ ઉપયોગ થાય છે.
વિદેશી ખજૂરની માંગ :હાલ રમઝાનમાં વેચાણ કરવા માટે અનેક પ્રકારના ખજૂર બજારમાં જોવા મળી રહ્યા છે. જેમાં સાઉદી અને ઈરાનના સ્પેશ્યલ ખજૂર છે. શહેરની જૂની અને જાણીતી ઝાંપાબજારમાં સાઉદીથી લોફાશ, અંબર, અજવા જેવા ખજૂર રમજાન માસમાં વેચાણ માટે આવે છે. વિક્રેતાઓ મોટાભાગે સાઉદી અરબથી ખજૂર મંગાવતા હોય છે. સાઉદી અરબના અજવા, અનબારા, બારહી જેવી જાતના ખજૂરની માંગ શહેરમાં સૌથી વધુ હોય છે.
શક્તિવર્ધક ખજૂર :ખજૂર લેવા આવનાર ગ્રાહક ઝકરિયાએ જણાવ્યું હતું કે, ખજૂરની આવી વેરાયટી છૂટક બજારમાં રમઝાન સિવાય કોઈક સ્થળે જોવા તો મળે છે. પરંતુ ખાસ રમઝાનમાં તેનો સ્વાદ અલગ જ રહે છે. અમારા જેવો યુવા વર્ગ દેશી ખજૂરની સામે વિદેશથી આવતા ખજૂર વધારે ઉપયોગમાં લે છે. જ્યારે વૃધ્ધો દેશી ખજૂર વધુ પસંદ કરે છે. આખો દિવસ અમે રોજા રાખીએ છીએ, ન્યુટ્રિશિયન અને વિટામિન ખજૂરથી મળે છે, જેથી સ્ટેમીના રહે અને કોઈ પણ પ્રકારે વિટામીનની અછત ન થાય. આ માટે અમે અરબ ઈરાનથી આવેલા સારી ક્વોલિટીના ખજૂરની જ ખરીદી કરીએ છીએ.
અરબ દેશોના ખજૂર :વિક્રેતા રમેશભાઈએ જણાવ્યું હતું કે, સારી ક્વોલિટીના ખજૂર સહિત અન્ય ડ્રાયફ્રૂટ્સની ડિમાન્ડ આ વખતે રમજાન માસમાં જોવા મળી રહી છે. અમે ઈરાન, દુબઈ અને અરબના અલગ અલગ દેશોથી ખજૂર મંગાવીએ છીએ. કારણ કે રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો ખજૂર ખાઈને જ રોજા ખોલે છે.
ખજૂરના બજાર ભાવ : આ વર્ષે દરેક પ્રકારના ખજૂરમાં 50 થી 60 નો ભાવ વધારો છે. હાલ બજારમાં રૂ. 200 થી શરૂ કરીને રૂ.1500 સુધીના ખજૂર જોવા મળી રહ્યા છે. છૂટકમાં 50 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધી પણ મળી રહે છે.
રમઝાન માસમાં ખજૂરનું મહત્વ :સામાન્ય દિવસોમાં અમે જે ખજૂર વેચીએ છે તેના કરતાં રમઝાનમાં 20 થી 25 ટકા વેચાણ વધારે થાય છે. રમજાન માસને ધ્યાનમાં રાખી અમે દોઢ મહિના પહેલાથી જ એક્સ્ટ્રા ખજૂરના ઓર્ડર આપીએ છીએ. કન્ટેનરમાં આવતા તેને એક-બે મહિના લાગી જાય છે. આ સાથે બદામ પણ અમે અમેરિકાથી મંગાવ્યા છે, તેની ડિમાન્ડ અત્યારે વધારે છે.
- Ramazan 2024 : પ્રેમ અને સાદગીનું પ્રતીક - રમઝાન માસ, જાણો રમઝાન મહિનાનું મહત્વ
- VNSGU Exam : VNSGU ના વિદ્યાર્થીઓ વાંચી લો ! ઉત્તરવહીમાં અભદ્ર ભાષા લખી કે ચલણી નોટ મૂક્યા તો...