કાળા કારોબારમાં ત્રણ નિર્દોષોનો ભોગ લેવાયો સુરેન્દ્રનગર :મૂળી તાલુકાના દેવપરા ગામની સીમમાં તંત્ર દ્વારા પૂરવામાં આવેલ એક ગેરકાયદેસર ખાડા પર ભૂમાફિયાએ કબ્જો જમાવી લીધો હતો. ઉપરાંત તેમાં પરપ્રાંતીય શ્રમિકો પાસે ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારે જીલેટીન વડે બ્લાસ્ટિંગ બાદ ગેસ ગળતરનો બનાવ બન્યો હતો, જેની 6 પરપ્રાંતીય શ્રમિકોને અસર પહોંચી હતી. જે પૈકી ત્રણ શ્રમિકના મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
ભૂમાફિયા સામે તંત્રની કાર્યવાહી :સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાન સહિતના તાલુકામાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ થતી રહે છે. જેને ધ્યાને લઈ છેલ્લા એક મહિનાથી જિલ્લા કલેકટરની સૂચનાને પગલે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખી પાસ પરમીટ વગર ચાલતા ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે. થાન અને મૂળી પંથકમાં આવી 400 થી વધુ ગેરકાયદેસર ખાણ આવેલી છે. આવા ગેરકાયદેસર ખાડા અને ખાણ પુરવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
ગેસ ગળતરની ઘટના : ખાણ ખનીજ વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા જ મૂળી તાલુકાના દેવપરા ગામની સીમમાં એક ગેરકાયદેસર ખાડાને પૂરવામાં આવ્યો હતો. જોકે આ ખાડા પર અમુક શખ્સોએ કબજો જમાવી ત્યાં પરપ્રાંતિય શ્રમિકો પાસેથી ખોદકામ કરાવવામાં આવી રહ્યું હતું. જેમાં જીલેટીન વડે બ્લાસ્ટિંગ કર્યા બાદ તેના ગેસ ગળતરથી ખોદકામ કરી રહેલા 6 શ્રમિકોને અસર પહોંચી હતી.
ગેરકાયદેસર કામમાં નિર્દોષ ભોગ બન્યા :જેમાંથી સરકુભાઈ કરાટ, રામદેવસિંઘ રાવત અને ચંદુસિંહ કુપસિંગ રાવત નામના ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના મોત નીપજ્યા હતા. તેમના મૃતદેહને મૂળી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ૩ શ્રમિકોને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવને પગલે મૂળી પોલીસ, ખાણ ખનીજ વિભાગ, મામલતદાર, ડીવાયએસપી સહિતની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
પોલીસ કાર્યવાહી : જિલ્લા વહીવટી તંત્રએ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ઉપરાંત જે જગ્યાએ ગેરકાયદેસર ખાડાનું ખોદકામ પરપ્રાંતીય શ્રમિકો દ્વારા કરવામાં આવી રહ્યું હતું તે ખાડા પર ગેરકાયદેસર કબજો કરનાર રણજીત ડાંગર અને સતુભાઈ કરપડાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલે બંને શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
- Vastadi Chuda Bridge Collapse : વસ્તડીથી ચુડા જતા રસ્તાના બ્રિજ પરથી ભારે ટ્રક પસાર થયો અને...કડડભૂસ
- Surendranagar Crime News : સી.યુ. શાહ હોસ્પિટલમાં ડોક્ટરને માર મારનાર લુખા તત્વોની શાન ઠેકાણે આવી