કચ્છ:ગાંધીધામ મહાનગરપાલિકાને જાહેર થયાને 1 મહિનો થઈ ચૂક્યો છે. છતાં પણ હજુ ચોક્કસ રીતે વહીવટ નથી થઈ રહ્યો, ત્યારે લગ્નની નોંધણીના સર્ટિફિકેટ મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે અને રજિસ્ટરની ડિજિટલ કી ન આવતાં પ્રક્રિયા અટકી ચૂકી છે. ત્યારે અંદાજિત 200થી પણ વધુ મેરેજ સર્ટિફિકેટ બાકી છે.
અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો: વર્ષની શરૂઆત થતાની સાથે જ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામને મહાનગરપાલિકા તરીકે દરજ્જો મળી ચૂક્યો છે અને તેના અમલીકરણને પણ 1 મહિના જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં હજુ વહીવટ પાટે નથી ચડ્યો. ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે અરજદારોને લગ્ન નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રજિસ્ટરની ડિજિટલ કી નથી આવી: મેરેજ સર્ટિફિકેટ મેળવવા ઇચ્છતા અરજદારોએ સર્ટિફિકેટ માટેની સ્થાનિકે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, પરંતુ ઉચ્ચસ્તરેથી લગ્ન નોંધણીના રજિસ્ટરની ડિજિટલ કી હજુ સુધી આવી નથી. જેથી સર્ટિફિકેટ આપવા માટેની પ્રક્રિયા અટકી પડી છે. આમ તો મહાનગરપાલિકા હોય, ત્યારે તેના કામ ઝડપથી થવા જોઈએ અને તેનો વહીવટ પણ ઝડપથી થવો જોઈએ. જો કે, હાલમાં જ મહાનગરપાલિકા બની છે. ત્યારે અહીંનો વહીવટ ધીમી ગતિએ પાટે ચડી રહ્યો છે, તેમ છતાં કેટલીક ત્રૂટીઓ હજુ પણ જોવા મળી રહી છે.