સુરત: હિંસક પ્રાણીઓને રાખવા માટે માંગરોળના ઝંખવાવમાં બનાવાયેલા દક્ષિણ ગુજરાતના પ્રથમ રિહેબિલિટેશન સેન્ટરમાં માંડવીથી પકડાયેલો દીપડો પહેલો કેદી બન્યો છે. હવે પછીની આખી જિંદગી આ દીપડો માંડવીના રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવશે. આ દીપડાએ માંડવીના ઉશ્કેર રામકુંડ ખાતે પરિવાર સાથે રહેતા 7 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકનું મોત થયું હતું. આ બનાવ બાદ વન વિભાગે આસપાસના વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડી પાડયો હતો.
7 વર્ષીય બાળક પર દિપડાએ કર્યો હુમલો:દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેરના રામકુંડ ખાતે રહેતા લાલસીંગભાઈ વસાવાના 7 વર્ષીય પુત્ર અજય પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ પેટના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દીપડાએ બાળકને ફાડી ખાતા રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવી દીધું હતું. દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો.
હુમલો કરનાર દીપડાને ઝંખવાવ સેન્ટરમાં રાખવામાં આવશે:હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાઈ તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. દરમિયાન માંડવીના ઝંખવાવમાં હાલ જ રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે. ત્યારે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંખવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે. હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગના જંગલમાં કોઈપણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે.