જૂનાગઢ:મિનરલ અને વિટામિનથી ભરપૂર એવું આ ગાજર વગર શિયાળો અધૂરો ગણાય છે. જે રીતે ઉનાળા દરમિયાન કેરીની માંગ હોય છે તેવી જ રીતે શિયાળા દરમિયાન પ્રત્યેક ઘરના રસોડામાં ગાજર અચૂક જોવા મળે. બીટા કેરોટીનથી ભરપૂર એવું ગાજર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું અને ઉત્તમ માનવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 2019 માં એક માત્ર ગાજરની ખેતી સાથે સંકળાયેલા વલ્લભભાઈ મારવાણીયાને ભારત સરકારે પદ્મશ્રી આપીને જૂનાગઢના ગાજરનું અનેરુ સન્માન કર્યું હતું. ચાલો જાણીએ શું હતી ઘટના...
જૂનાગઢનો ખામધ્રોળ વિસ્તાર 1945થી સતત શિયાળા દરમિયાન ગાજરની ખેતી કરતો આવ્યો છે. આ વિસ્તારમાં થતું ગાજર સ્વાદ અને રંગની દૃષ્ટિએ પણ ઉત્તમ માનવામાં આવ્યું છે. વલ્લભભાઈ મારવાણીયાએ ખામધ્રોળ વિસ્તારમાં ગાજરની ખેતી વર્ષ 1943માં શરૂ કરી હતી. આજે પણ તેમના પુત્રો અને પરિવારજનોની સાથે વિસ્તારના લોકો ગાજરની ખેતી કરી રહ્યા છે.
2019માં ધામધ્રોળના ગાજરને મળ્યો પદ્મશ્રી
જૂનાગઢનું ખામધ્રોળ વિસ્તાર વર્ષ 1943 થી ગાજરની ખેતી માટે ખૂબ જ વિખ્યાત બન્યો છે. આજે પણ વિસ્તારના ખેતરોમાં શિયાળા દરમિયાન ગાજરની ખેતી અચૂકપણે થાય છે. પારંપરિક રીતે ખામધ્રોળ રહેવાસી અને ગાજરની ખેતી સાથે સંકળાયેલા વલ્લભભાઈ મારવાણીયાને વર્ષ 2019 માં સતત અને ગુણવત્તાયુક્ત ગાજરની ખેતી કરવા બદલ ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજીને જૂનાગઢના ગાજરને એક અદકેરું માન અને સન્માન આપ્યું હતું.
વર્ષો પૂર્વે પશુ આહાર તરીકે જ ઓળખાતું
વર્ષો પૂર્વે ગાજરને પશુ આહાર તરીકે ઓળખવામાં આવતું હતું. ખેડૂતો પોતાના દુધાળા પશુઓને ચારા તરીકે આપવા માટે ગાજરનું વાવેતર કરતા હતા, પરંતુ ધીમે-ધીમે લોકોનો વિચાર બદલાયો. આયર્ન અને બીટા કેરોટીનની પ્રચુર માત્રા ધરાવતું ગાજર રસોડામાં પ્રવેશ્યુ. આજે નાના ઘરથી લઇને ફાઈવ સ્ટાર હોટલના રસોડામાં પણ ગાજરનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. ગાજરનો હલવો અને ગાજરનું અથાણું આજે પણ પ્રત્યેક સ્વાદ રસીકો માટે પહેલી પસંદ બનતું હોય છે. ત્યારે પશુ આહારથી રસોડું અને પાંચ સિતારા હોટલમાં સ્થાન જમાવ્યા બાદ આજે ગાજર જૂનાગઢને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરી રહ્યું છે.
- International Carrot Day : આજે સમગ્ર વિશ્વમાં ગાજર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
- Tomato Cucumber Combination : 'આ' ટાળો નહીંતર સલાડ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે