સુરત:આજના આધુનિક યુગમાં ક્રાઇમની ઘટનામાં ઘણો વધારો જોવા મળે છે. ત્યારે છેતરપિંડી કરીને આરોપીઓ મોટા મોટા ગુન્હાઓ આચરતા હોય છે. ત્યારે ગુનેગારો લોકોને ઠગીને તેમની મહેનતની કમાણીને છીનવી લેતા હોય છે. ત્યારે સુરતમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. સુરતના સરથાણામાં રુ. 80.94 લાખની છેતરપિંડીના મામલે ક્રાઇમ બ્રાંચે આરોપી નરેશ નાગરમલ સૈની નામના આરોપીને ઝડપી લીધો હતો.
છેતરપિંડીનો આરોપી રાજસ્થાનમાં ઝડપાયો:સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણામાં રૂ. 80.94 લાખની છેતરપિંડીના મામલે ક્રાઇમ બ્રાંચે આરોપી નરેશ નાગરમલ સૈનીને રાજસ્થાન નવલગઢ ખાતેથી ઝડપી પાડ્યો છે. આ બાબતે ક્રાઇમ બ્રાંચના પી.આઈ કે.આઈ. મોદીએ જણાવ્યું કે, સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની સૂચના અનુસાર સુરતમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનામાં નાસતા આરોપીઓને ઝડપી પાડવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.
વોચ ગોઠવી પોલીસે આરોપીને પકડ્યો:આ અંગે પોલીસની ટીમને બાતમી મળી હતી કે, 2 વર્ષ પહેલાં સરથાણા પોલીસ સ્ટેશનમાં 80.94 લાખની છેતરપિંડીના મામલે આરોપી રાજસ્થાનના નવલગઢ ખાતે છે અને ત્યાં રહીને છૂટક મજૂરીનું કામ કરતો હતો. જેને લઇને પોલીસની ટીમ બાતમીના આધારે એક ટીમ રાજસ્થાન રવાના થઇ. ત્યાં વોચ ગોઠવીને આરોપી નરેશ નાગરમલ સૈનીને ઝડપી લીધો હતો.