અમદાવાદ: શહેરમાં સતત બે દિવસથી વાદળથી ઘટાટોપ અંધાર છવાયેલો રહ્યો અને સતત પડતા વરસાદે અમદાવાદને પાણીથી તરબોળ કરી દીધું છે. આમ તો શુક્રવારથી આરંભાયેલો વરસાદ જન્માષ્ટમી પર્વની સવારથી વધુ પ્રમાણમાં ખાબક્યો છે. સવારથી પડતા વરસાદના કારણે શહેરના મીઠાખળી, અખબારનગર, વેજલપુર સહિતના અંડરપાસ બંધ કરવા પડ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડા, બાપુનગર, ખોખરા, મણિનગર સહિત કોટ વિસ્તારમાં વધુ વરસાદ વરસ્યો હતો. સાથે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના સેટેલાઈટ, આનંદનગર, વેજલપુર, નારણપુરા, વાડજ, ઘાટલોડિયા, આંબાવાડી સહિત એસ.જી. હાઈ-વે પર સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકોના વાહન રોડ પર અટકી પડ્યા છે. છેલ્લી માહિતી સુધી અમદાવાદના નરોડા અને મણિનગરમાં આજ સવારથી સાંજના ચાર વાગ્યા સુધીમાં છ ઇંચ ખાબક્યો છે. શહેરમાં રોડ પર પાણી ભરાવાના અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે.
ત્રણ સિસ્ટમ સર્જવાથી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે કરી હતી
હવામાન વિભાગે રાજ્યમાં અને તેની આસપાસ સર્જાયેલી ત્રણ લોકલ સિસ્ટમથી રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વિસ્તાર પ્રમાણે આગાહી કરી હતી. અમદાવાદમાં ગત અઠવાડિયે ગરમી વધુ હતી પણ શુક્રવારની સાંજથી ઝરમર વરસાદ આરંભાયો હતો. સોમવાર સવારથી સાંજના ચાર સુધીમાં અમદાવાદ શહેરમાં સરેરાશ સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેનાથી સોસાયટીઓમાં અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રવિવારે અને સોમવારનો વરસાદ ભારે પવન સાથે વરસ્યો હતો. આકાશમાં વીજળીના ચમકારા સતત થતા રહ્યાં છે. આકાશમાં ગાઢ વાદળો છવાયાથી છેલ્લા બે દિવસથી અંધારપટ્ટ સર્જાયો છે.