નડીયાદ: સંતરામ મંદિરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણીનો ગઈકાલ શનિવારથી પ્રારંભ થયો છે. જે અંતર્ગત મોરારિ બાપુના વ્યાસપીઠ પદે શ્રી રામકથાનો શુભારંભ થયો હતો. આ પૂર્વે મંદિર પરિસરમાં સંતરામ સમાધિ સ્થાન ચોકથી પોથી યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. સંતરામ ભક્તો જય મહારાજના જય ઘોષ સાથે પોથી શિર પર ગ્રહણ કરી મંડપમાં થઈ વ્યાસપીઠ સુધી લઈ આવ્યા હતા. મંદિરના સંતો, મહંતોની ઉપસ્થિતિમાં મોરારિ બાપુની રામકથાનું દીપ પ્રાગ્ટય કરાયું હતું. સમાધિ મહોત્સવની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં સંત, સપૂત અને સાક્ષરની વંદના કરવાનો પણ ઉપક્રમ છે.
શનિવારથી મોરારિ બાપુની રામકથાના શુભારંભ સાથે સમાધિ મહોત્સવની ભક્તિપુર્ણ ઉજવણીની શરૂઆત થઈ છે. આ પ્રસંગે સમગ્ર માહોલ જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યો હતો. અમેરિકાની સંસ્થા દ્વારા મંદિરને વૈશ્વિક એવોર્ડ એનાયત કરાયો તેમજ યોગીરાજ માનસ ગ્રંથનું લોકાર્પણ કરાયું હતું.
આ અવસરે યુ.એસ એ.ની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઝેશન સંસ્થા તરફથી સંતરામ મંદિરની 54 જેટલી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે લોકસેવા કેટેગરીમાં 'વર્લ્ડ અમેઝિંગ પ્લેસ'નો વૈશ્વિક એવોર્ડ પણ સંતરામ મંદિરને એનાયત કરાયો હતો. આ ઉપરાંત નડિયાદ સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ રચિત 'યોગીરાજ માનસ' ગ્રંથનું પણ લોકાર્પણ કરાયું હતું. આ મહાગ્રંથ સંતરામ મહારાજના જીવન દર્શન અને તત્વ વિચારને હિન્દી અને વિવિધ ભાષામાં 1034 દુહા ચોપાઈ અને 1100 પંક્તિઓનું મહાકાવ્ય છે.
સંતો,મહંતોની ઉપસ્થિતિ
આ પ્રસંગે સંતરામ મંદિરના સંતો, મહંતો, રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદગીરીજી મહારાજ, મહામંડલેશ્વર કનકેશ્વરીજી, જામનગરના દેવ પ્રસાદજી બાપુ, સોનીપત હરિયાણાના ઓશો અનુજ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતીજી, માં અમૃતપ્રિયાજી, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નિર્ગુણ દાસજી મહારાજ, ગણેશદાસજી મહારાજ સહિત શ્રી સંતરામ મંદિરના સંતો, મહંતોની ઉપસ્થિતિમાં મોરારિ બાપુની રામકથાનું દીપ પ્રાગટય કરાયું હતું.
સંતરામ ભૂમિ દિવ્ય ચેતનાની ભૂમિને હું વંદન કરું છું : મોરારિ બાપુ