બનાસકાંઠામાં શિક્ષકનો પગાર ચાલુ અને વિદેશમાં ગેરકાયદે વસવાટ (Etv Bharat Gujarat) બનાસકાંઠાઃ જિલ્લાના દાંતા, વાવ બાદ હવે ભાભરની સુથાર નેસડી શાળાનો શિક્ષક છેલ્લા આઠ મહિનાથી શિક્ષણ વિભાગની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર વિદેશ જતો રહેતા માસૂમ બાળકોના અભ્યાસ ઉપર અસર પડતી હોવાથી વિદેશ ગયેલ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા શાળાના આચાર્યે શિક્ષણ વિભાગને લેખિત જાણ કરી છે.જેને લઈને શિક્ષણ વિભાગે શિક્ષકને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે.
બનાસકાંઠામાં શિક્ષકનો પગાર ચાલુ અને વિદેશમાં ગેરકાયદે વસવાટ (Etv Bharat Gujarat) જાણ કર્યા વગર રજા પર ઉતરી ગયા શિક્ષક:બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો વિદેશ ગયા હોવાના કિસ્સાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે પહેલા દાંતાની પાનછા શાળાના શિક્ષક તે બાદ વાવના ઉચપા અને હવે તે બાદ ભાભર તાલુકાના સુથાર નેસડી .પે .સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક આઠ મહિનાથી કપાત પગાર રજા મૂકી અમેરિકા ગયા હોવાનું સામે આવ્યું છે. ભાભર તાલુકાના સુથાર નેસડી પે સેન્ટર શાળા માં ફરજ બજાવતા શિક્ષક વિપુલ પટેલ જેઓનું વતન હિરપુરા તા.વિજાપુર જી.મહેસાણા છે, તેઓ છેલ્લા સાત વર્ષથી સુથાર નેસડી શાળામાં ફરજ બજાવતા હતા જેઓ ધોરણ 6 થી 8 માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ તા.07/12/2023 થી તેઓ એન. ઓ.સી વિના શાળાને જાણ કર્યા સિવાય કપાત પગારની રજા પર ઉતરી ગયા છે. જેઓ અમેરિકા મુકામે સાઉથ કેરોલિના ગયા હોવાનું સામે આવ્યું છે.
બે નંબરમાં વિદેશ ગયાની માહિતી: શાળાના શિક્ષક વિપુલ પટેલ દ્વારા આચાર્યને ફોન પર જાણ કરેલી છે કે, હું બે નંબરમાં વિદેશ ગયેલો હોઇ પાછો આવી શકું તેમ નથી. જેથી સુથાર નેસડી શાળાના આચાર્ય વશરામભાઈ મકવાણાએ ભાભર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી. તેમજ અન્ય શિક્ષકની ભરતી કરવા લેખિત રજુઆત કરી હતી. હાલ તો છેલ્લા આઠ માસથી શાળાના શિક્ષક વિપુલભાઈ પટેલ કપાત પગાર રજા પર ઉતરી જતા 6 થી 8 ધોરણના બાળકોને જ્ઞાન સહાયકની ભરતી કરી બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
બાળકોના અભ્યાસ પર અસર:બનાસકાંઠાના એકબાદ એક શાળાના શિક્ષકો વિદેશ ગયા હોવાનું સામે આવી રહ્યું છે જેને લઈને શિક્ષણ વિભાગ હવે હરકતમાં આવ્યું છે અને આવા શિક્ષકો સામે કાર્યવાહી કરી હોવાનું કહી પોતાનો બચાવ કરતા જિલ્લા શિક્ષણ અધિકારી વિનું પટેલે કહ્યું કે, આવા શિક્ષકોને લઈને જેતે શાળાના તાલુકા શિક્ષણ અધિકારીઓ જિલ્લા કક્ષાએ રિપોર્ટ મોકલતા હોય છે. જેમાં જિલ્લા કક્ષાએથી તેમને નોટિસ આપી તેનો પ્રત્યુત્તર લઈને કાર્યવાહી કરાય છે. જોકે સતત 90 દિવસથી ગેરકાયદેસર રજા વગર વિદેશ ગયા હોય અને તેવો 90 દિવસમાં પરત આવીને શાળામાં હાજર ન થયા હોય તો તેમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીયે છીએ. છેલ્લા ત્રણ ચાર વર્ષમાં અનિધિકૃત રીતે ગેરકાયદેસર ગેરહાજર રહેલા 34 જેટલા શિક્ષકોને નોકરીમાંથી બરતરફ કર્યા છે. જિલ્લામાં શિક્ષકોનું મહેકમ વધારે હોઇ આવા ગેરકાયદેસર વિદેશ ગયા હોય અથવા દેશમાં રહેતા હોય અને શાળામાં ન આવતા હોય તેવા શિક્ષકો સામે કાર્યવાહી કરીને તેમને બરતરફ કરવાની કાર્યવાહી સમયાંતરે કરાઈ રહી છે.