ગુજરાત

gujarat

School Parents Protest : સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલકોએ અચાનક પાળી બદલી નાખતા વાલીઓનો વિરોધ

By ETV Bharat Gujarati Team

Published : Mar 20, 2024, 3:46 PM IST

Updated : Mar 20, 2024, 5:16 PM IST

ગાંધીનગરની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલકોએ અચાનક પાળી બદલી નાખતા વાલીઓનો વિરોધ સામે આવ્યો છે. ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાની પાળી સવારના બદલે બપોરે કરાઈ છે જેનો વિરોધ થઇ રહ્યો છે. જોકે સંચાલકોનો સંપર્ક સાધતાં તેઓ હાજર ન હોતાં તેઓનું શું કહેવું છે તે જાણી શકાયું નથી

School Parents Protest : સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલકોએ અચાનક પાળી બદલી નાખતા વાલીઓનો વિરોધ
School Parents Protest : સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલકોએ અચાનક પાળી બદલી નાખતા વાલીઓનો વિરોધ

પાળી સવારના બદલે બપોરે કરાઈ તેનો વિરોધ

ગાંધીનગર : ગાંધીનગર કુડાસણ સ્થિત સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ એકથી આઠ ગુજરાતી માધ્યમની શાળાનો સમય નવા સત્રથી અચાનક બદલી દેતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં ગુજરાતી માધ્યામ ધોરણ 1 થી 8 ના બાળકોનો અભ્યાસનો સમય સવારે 7:30 થી 12.45 છે. જે સમય બદલીને નવા સત્રથી બપોર ના 12.30 થી સાંજે 5.30 નો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો વાલીઓએ વિરોધ કર્યો છે.

શાળાએ લીધો એકતરફી નિર્ણય :આ નિર્ણય શાળા સંચાલકો દ્વારા વાલીઓની જાણ બહાર એકતરફી લેવામાં આવ્યો છે. તેથી વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ ઘસી ગયા હતા. તેમણે શાળાનો સમય રાબેતા મુજબનો રાખવાની માંગણી કરી છે. વાલીઓએ શાળાનો સમય ન બદલાવવા આચાર્યને રજૂઆત કરી હતી. વાલીઓએ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો પર આક્ષેપ કરતા જણાવ્યું કે સંસ્થાએ વાલીનો મત લીધા વગર શાળાનો સમય બદલી નાખ્યો છે. શાળા મીટીંગમાં વાલીઓને એકસાથે ન બોલાવી દરેક ધોરણના વાલીઓને અલગઅલગ બોલાવી તેમને શાળાનો સમય બદલાયો તે અંગે જાણ કરી છે.

શાળા સંચાલકો ગુજરાતી માધ્યમ સાથે અન્યાય કરે છે :વાલી પંકજ પટેલે જણાવ્યું કે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલકો ગુજરાતી માધ્યમ સાથે અન્યાય કરે છે. ગુજરાતની ભૂમિ પર ગુજરાતી માધ્યમના બાળકોના ભોગે અંગેજી માધ્યમના બાળકોને સાચવવાની નીતિ સ્કૂલ અપનાવી રહી છે. શાળા વિદ્યાનું અને સંસ્કારનું મહત્વ નહી વેપારનું કેન્દ્ર હોય એવું સ્પષ્ટ જણાય છે. સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં પ્રાધાન્ય આપવાનું સૂચન કર્યું છે. વાલીઓએ સ્કૂલ પાસે વાલી મંડળના સભ્યોના નામ અને સંપર્ક નંબરની માગણી કરેલી છે. શાળા સંચાલકોએ હજી સુધી વાલી મંડળના સભ્યોના ડેટા આપ્યા નથી. સ્વામિનારાયણ ધર્મની સ્કૂલમાં વિદ્યા અને સંસ્કારને મહત્વ ન આપી શિક્ષાનું વેપારીકરણ થઈ રહ્યું છે.

એડમિશનનો ધસારો હોવાથી શાળા સંચાલકોની મનમાની : શાળા સંચાલકો અંગ્રેજી માધ્યમના બાળકોને સાચવી રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ રાંદેસણ, કુડાસણ, સરગાસણ, ભાઈજીપૂરા, પીડીપીયુ જેવા વિકસિત વિસ્તારમાં ગુજરાતી માધ્યમની સવારના સમયની એક માત્ર શાળા છે. તેથી આ શાળામાં એડમિશનનો ધસારો રહે છે. એડમિશનનો ઘસારો હોવાથી શાળા સંચાલકો મનમાની આચરી રહ્યા છે.

વાલીઓનો વિરોધ કેમ : સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલનો સમય સવાર પાળીમાંથી બપોર પાળીનો થતા ધોરણ એકથી આઠ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું શિડયુલ ખોરવાઈ જાય છે. બપોર 12:30 થી 5:30 ના સમય બાદ સાંજે છૂટીને તરત જ બાળક ગૃહકાર્ય ન કરી શકે. ગૃહકાર્યની સૂચના શિક્ષકો મરજી પડે ત્યારે મોબાઈલ પર મોકલે છે. બપોરના સમયે તડકો હોવાથી બાળકો સ્કૂલના ગ્રાઉન્ડમાં રમી શકતા નથી.

  1. Haldwani Violence Ground Report : કર્ફ્યુ હટ્યા બાદ પણ બનભૂલપુરાની શાળાઓમાં બાળકો ગેરહાજર કેમ ?
  2. Pariksha Pe Charcha 2024: પીએમને પ્રશ્ન પુછવામાં ભાવનગરના વિદ્યાર્થીઓ જોડાયા
Last Updated : Mar 20, 2024, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details