સુરતમાં ધમધમતા બોગસ ડિગ્રી રેકેટનો પર્દાફાશ સુરત :સિંગણપોર પોલીસે નકલી માર્કશીટ બનાવી ઠગાઈ કરવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. નકલી માર્કશીટ બનાવનાર સીંગણપોર વિસ્તારમાં આવેલ એકેડમીના સંચાલકની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેની ઓફિસમાંથી અલગ અલગ યુનિવર્સિટી અને સંસ્થાના નામની નકલી માર્કશીટ નંગ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, મેમરી કાર્ડ, કુરિયર કવર, પેન ડ્રાઈવ સહિત યશ એજ્યુકેશનના સ્ટીકરનો જથ્થો કબજે કર્યો છે.
એક ફરિયાદથી થયો રેકેટનો પર્દાફાશ :
આ અંગે પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, કતારગામ વેડરોડ પર આવેલા શ્રીજીનગરમાં રહેતા ભરત રામજી કળથીયાએ સિંગણપોર પોલીસ મથકમાં નીલેશ મગન સાવલિયા સામે એક અરજી કરી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, નીલેશે તેના પુત્ર અક્ષરને વિદેશ જવા માટે કેરળ રાજ્ય બોર્ડનું સહી અને સિક્કા સાથે ધોરણ 12 પાસનું એક સર્ટીફીકેટ બનાવી આપ્યું હતું. પરંતુ તે સર્ટીફીકેટ નકલી હોવાથી તેના પુત્ર અક્ષર સામે કેરળ પોલીસે જાન્યુઆરી મહિનામાં ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. તેના જામીન પર છૂટ્યા બાદ ભરત કળથીયાએ આ અરજી કરી હતી.
પોલીસે આરોપીને દબોચ્યો :
પોલીસે આ બાબતની ગંભીર નોંધ લઈને સિંગણપોર રોડ પર આવેલા પાટીદાર ભવનની સામે ઝીરકોન પ્લસ નામની બિલ્ડીંગમાં દુકાન નંબર 106 માં આવેલા યશ એજ્યુકેશન એકેડમીમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી પોલીસે નકલી માર્કશીટ બનાવવાની સામગ્રી સાથે યશ એજ્યુકેશન એકેડમીના સંચાલક નીલેશ મગન સાવલિયાની ધરપકડ કરી હતી. ઓફિસની તલાશી લેતા તેમાંથી 137 જેટલી અલગ અલગ યુનિવર્સિટીની નકલી માર્કશીટનો જથ્થો તેમજ પ્રિન્ટર, કોમ્પ્યુટર, યશ એજ્યુકેશનના સ્ટીકર, માઈક્રો મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ, ડાયરી અને અલગ અલગ રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા.
સમગ્ર કેસનું દિલ્હી કનેકશન :
નીલેશ સાવલિયાની પોલીસ પૂછપરછમાં તેણે એવી કબૂલાત કરી હતી કે, વર્ષ 2011 થી તે આ રીતે નકલી માર્કશીટ બનાવે છે. તેમાં દિલ્હીના નોયડાના મનોજકુમાર, રાહુલ સૈની અને કરણ હસ્તક માર્કશીટ બનાવી ગરજાઉ લોકોને આપતા હતા. જોકે હકીકત એવી છે કે આ નકલી માર્કશીટના આધારે ઘણા લોકોએ નોકરી પણ મેળવી લીધી અને બિન્દાસ નોકરી કરી રહ્યા છે.
એક માર્કશીટની કિંમત શું ?
DCP પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, નકલી માર્કશીટ બનાવનાર નિલેશ સાવલિયા રીઢો ગુનેગાર છે અને છેલ્લા 14 વર્ષથી દિલ્હીના ઠગબાજ મનોજકુમાર, રાહુલ સૈની અને કરણ નામના વ્યક્તિ સાથે મળીને અલગ અલગ યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવતો હતો. એક માર્કશીટના રૂ. 20 હજારથી લઈને રૂ. 5 લાખ સુધી વસૂલતા હતા. નીલેશ યશ એજ્યુકેશન એકેડમી નામની સંસ્થા ચલાવે છે. ગ્રાહકો અભ્યાસને લગતી ડિગ્રી અને સર્ટિફિકેટ મેળવવા માટે નીલેશ પાસે આવે ત્યારે તે ઓનલાઈન પરીક્ષા આપવાનું જણાવીને જે તે રાજ્ય પરીક્ષા બોર્ડ તેમજ યુનિવર્સિટીના કોર્સ મુજબની ફી તેમજ પોતાનું કમિશન લઈને પ્રોસેસ ફીના નામે પોતાની મરજી મુજબ રૂ. 20 હજારથી રૂ. 5 લાખ સુધી લેતો હતો.
ઓહ હો ! કેટલા વર્ષથી ચાલે છે ગોરખધંધો :
DCP પિનાકીન પરમારે વધુમાં જણાવ્યું કે, અરજદારની વિગતો મેળવીને તે વિગતો ફરીદાબાદમાં મનોજ અને તેના સાગરીતોને મોકલી આપતો હતો. તે ટોળકી સર્ટીફીકેટ તૈયાર કરીને કુરિયર મારફતે સુરતમાં નિલેશ સાવલિયાને મોકલી આપતા હતા. જોકે પોલીસ પણ ચોંકી છે કારણ કે 2011 થી નીલેશ આ રેકેટ ચલાવે છે અને આજ સુધીમાં અનેક નકલી સર્ટીફીકેટના આધારે લોકો વિદેશમાં પણ ગયા અને ત્યાં નોકરી પણ મેળવી છે. પોલીસને નિલેશ સાવલીયાની ઓફીસમાંથી કુલ 137 જેટલી નકલી માર્કશીટ મળી આવી છે, જે અલગ અલગ યુનિવર્સિટીની છે.
કઈ ડિગ્રી જોઈએ છે, બોલો !
આરોપી વિવિધ યુનિવર્સિટી અને સંસ્થાઓની ડિગ્રી બનાવી આપતા હતા. જેમાં જે. એન. રાજસ્થાન વિદ્યાપીઠ, જનાર્દન રાયનગર વિદ્યાપીઠ, ઈન્ટરમીડીયેટ કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દિલ્હી, સિંઘાનિયા યુનિવર્સિટી, વિલિયમ કેરી યુનિવર્સિટી, ટેકનો ગ્લોબલ યુનિવર્સિટી, બુંદેલખંડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ મુંબઈ, IIC યુનિવર્સિટી, બુંદેલખંડ યુનિવર્સિટી ઝાંસી, કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન મોહાલી, માધ્યમિક શિક્ષા પરિષદ UP, CMJ યુનિવર્સિટી મેધાલય, ઈન્સ્ટીટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ એન્જીનીઅરીંગ સુરત, છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, બેંગ્લોર યુનિવર્સિટી, ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી મેરઠ, કર્ણાટક ઓપન યુનિવર્સિટી, ઇસ્ટર્ન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ યુનિવર્સિટી, CMJ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
- Fake Degree Scandal Gandhinagar: ગાંધીનગરથી બોગસ ડિગ્રીકાંડ ઝડપાયું, 50થી વધુ ડિગ્રી સાથે 2 આરોપીની ધરપકડ
- Mehsana Crime : નકલી ડોકટર બનેલો નિવૃત્ત એસટી કર્મચારી ઝડપાયો, મહેસાણા એસઓજી પોલીસે રેઇડ કરી કાર્યવાહી કરી