ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં સુમુલ ડેરીના નામે નકલી ઘી વેચવાનું કૌભાંડ, કઈ બે વસ્તુઓ મિક્સ કરીને બનાવાતું આ નકલી ઘી? - SURAT DUPLICATE GHEE

મકાનમાં જ ભેળસેળ યુક્ત ઘી બનાવીને તેને સુમુલ ડેરીના પેકિંગમાં ભરીને વેચવાનો મામલો સામે આવ્યો છે.

સુમુલના નામે નકલી ઘીનું વેચાણ
સુમુલના નામે નકલી ઘીનું વેચાણ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2024, 10:51 PM IST

સુરત:સુરતની કામરેજ પોલીસે કઠોર ગામે મકાનમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. મકાનમાં જ ભેળસેળ યુક્ત ઘી બનાવીને તેને સુમુલ ડેરીના પેકિંગમાં ભરીને વેચવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે 68 હજારની કિંમતનો નકલી ઘીનો જથ્થો ઝડપી પાડયો છે અને એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુમુલના નામે નકલી ઘીનું વેચાણ (ETV Bharat Gujarat)

ઘરમાં નકલી ઘીનું પેકીંગ કરીને વેચાણ કરાતું
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસની હદમાં કઠોર ગામે આવેલ માનસરોવર બિલ્ડીંગનાં ફ્લેટ નં.408માં ઘી બનાવી તેનું બિનઅધીકૃત પેકીંગ કરીને વેચાણ દ્વારા ગ્રાહકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની બાતમી કામરેજ પોલીસને મળી હતી. આથી કામરેજ પોલીસે ઉપરોક્ત બાતમી અનુસાર સ્થળ પર પહોંચી જઈને રેડ મારતા ઘટના સ્થળેથી પ્રવીણ હરખાણી નામનાં ઇસમને નકલી ઘીના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

1 લીટર ઘીના 108 ડબ્બા મળ્યા
જોકે પોલીસે બનાવનાં સ્થળેથી 68 હજારની કિંમતનાં ડુપ્લીકેટ સુમુલ ઘીનાં 1 લીટર વાળા 108 ડબ્બા, 30 હજારની કિંમતનું ટીનનું શીલ મારવાનું મશીન, 1 હજાર કિંમતનું 20 લીટર વાળુ એલ્યુમિનીયમનું તપેલુ, 500ની કિંમતની એક સગડી, 1 હજાર કિંમતની ગેસની બોટલ મળી કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ પોલીસે બનાવનાં સ્થળેથી પ્રવીણ હરખાણીની અટકાયત કરી હતી. જ્યારે ભાવેશ ડોબરીયા, નિલેશ સાવલીયા, પરેશ સાવલીયા, વિશાલ શાહને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નકલી ઘી બનાવવા કઈ વસ્તુઓ વાપરતા આરોપી?
કામરેજ પોલીસના PI એ.ડી ચાવડાએ જણાવ્યું કે, આરોપીની પૂછપરછ કરતા તેણે કુલ 15 લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઈલ તથા વેજીટેબલ ઓઈલ મંગાવીને બંને ઓઈલને મિક્સ કરીને ગરમ કરીને 1 લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરીને સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ વેચાણ કરતો હતો. આરોપી છેલ્લા 15 જેટલા દિવસથી આ પ્રકારે નકલી ઘી બનાવીને તેને વેચતો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.

આ પણ વાંચો:

  1. દારૂ લ્યો, દારૂ લ્યો... કચ્છના માંડવી બીચ પર શાકભાજી જેમ દારૂ વેચાયો? પોલીસ તપાસમાં શું આવ્યું
  2. આ તો કેવો ઈગોઃ ONLINE છરી મગાવી 10થી વધુ ઘા માર્યા, અમદાવાદમાં ગ્રાહકે લીધો દુકાનદારનો જીવ... જાણો સમગ્ર વિગતો

ABOUT THE AUTHOR

...view details