સુરતમાં લૂંટેરી દુલ્હન ઝડપાઈ (ETV Bharat Reporter) સુરત :સરથાણા પોલીસે ડિંડોલી વિસ્તારમાંથી લૂંટેરી દુલ્હન સહીતના સાગરીતોને ઝડપી પડ્યા છે. સરથાણા પોલીસ છેલ્લા એક મહિનાથી લૂંટેરી દુલ્હન સહીતના સાગરીતો પાછળ લાગી હતી. આ ગેંગે સાથે મળીને ફરિયાદી સાથે એક મહિલાના ખોટા લગ્ન કરાવી તેની સાથે રૂ. 1.35 લાખની છેતરપિંડી કરી હતી. જે મામલે ફરિયાદીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
લૂંટેરી દુલ્હન ગેંગ :આ આખી લૂંટેરી દુલ્હન ગેંગમાં ચાર મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. જેમાં પોલીસે હાલ આરોપી વિપુલભાઈ મહોનભાઈ ડોબરીયા, રૂપાલીબેન ઉર્ફે સંજના વિકી ગૌડે અને જ્યોતિબેન સંજયભાઈ મોરેને ડિંડોલીથી ઝડપી પાડ્યો છે. બાકીની બે મહિલાઓની શોધખોળ ચાલુ છે, જેમાં એક આરોપી જ્યોતિની દીકરી પણ છે.
સુરતનો વ્યક્તિ બન્યો શિકાર :આ બાબતે સુરત પોલીસ DCP ભક્તિ ઠાકરે જણાવ્યું કે, સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત મહિનામાં એક અરજી આવી હતી, જેમાં ફરિયાદીને લગ્નની લાલચ આપીને રૂ. 1.35 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. જે મામલે સરથાણા પોલીસે સતત એક મહિના સુધી તપાસ કરી, અંતે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ગેંગની મોડસ ઓપરેન્ડી :આ ગેંગમાં વિપુલ ડોબરીયા એજન્ટ તરીકે કામ કરે છે. તેણે જ્યોતિ નામની મહિલાનો સંપર્ક કર્યો હતો. બાદમાં બંને સાથે મળીને ઘરમાં કામ કરતી છોકરીઓને પોતાની વાતોમાં લઈ સમજાવતા કે, તમે અમારી સાથે કામ કરો તમને સારું કમાવવા મળશે. આમ છોકરીને દુલ્હન બનવા માટે તૈયાર કરતા હતા. બાદમાં વિપુલ અને જ્યોતિ એવા વ્યક્તિને શોધતા જેના લગ્ન ન થયા હોય અથવા જે લોકોને પત્નીની જરૂર હોય. આવા લોકોને ટાર્ગેટ કરીને તેમની સાથે વાતો કરીને તેમને વશમાં લઈ છોકરી સાથે સંપર્ક કરાવતા.
કોણ છે લૂંટેરી દુલ્હન ?આ આખી ઘટનામાં જે દુલ્હન છે તેનું નામ સંજના છે, જે જ્યોતિને ત્યાં ઘરકામ કરે છે. તેના આગળ પાછળ કોઈ નથી એમ કહીને ટાર્ગેટ કરવામાં આવેલા છોકરા સાથે સંપર્ક કરાવતી હતી. ફરિયાદી તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થયા હતા. જોકે લગ્ન સમય દરમિયાન જ્યોતિબેને ફરિયાદી પાસે રૂપિયા 1.05 લાખ રોકડા લીધા હતા. બાદમાં ચાંદી અને સોનાની વસ્તુઓ એમ કુલ મળીને રૂપિયા 1.35 લાખ લેવામાં આવ્યા હતા.
મંદિરમાં લગ્ન કરી ફરાર :દુલ્હન માટે તૈયાર થયેલ આરોપી મહિલા રૂપાલીએ ફરિયાદી સાથે તાપી નદી કિનારે આવેલા શંકર ભગવાનના મંદિરમાં લગ્ન કર્યા હતા. ફરિયાદી સાથે ત્રણ દિવસ રહ્યા બાદ તેણે બહાનું કાઢ્યું કે, મારી માનીતી દાદીની તબિયત ખૂબ જ ખરાબ છે, તો માટે જોવા માટે ડિંડોલી જવું પડશે. એમ કહીને મહિલા જતી રહી, પરંતુ ફરી પરત આવી નહીં. જેથી ફરિયાદીએ મહિલાને ફોન કર્યો, તેમાં રકઝક થઈ. મહિલાએ કહી દીધું કે, હું પરત નથી આવવાની.
પોલીસ કાર્યવાહી : ફરિયાદીને શંકા જતા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેમાં પોલીસે સતત એક મહિના સુધી તપાસ કરીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. વધુ બે છોકરીઓના નામ પણ બહાર આવ્યા છે. જેમાં આરોપી મહિલાની એક છોકરીનું નામ પણ છે. તેમની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. તે ઉપરાંત અન્ય બે લોકો સાથે પણ આ પ્રકારની ઘટના ઘટી છે. જેમાં એક રાજકોટ અને એક જયપુરનો વ્યક્તિ છે. તે ઉપરાંત બીજા કેટલા લોકો સાથે આ પ્રકારની ઘટના ઘટી છે, તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.
- લાજપોર જેલના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારે પોલીસ પર ગંભીરકર્યા આક્ષેપો
- સુરત પોલીસે એક સાથે 5 વ્યાજખોરોની સામે પાસા હેઠળ કાર્યવાહી કરી