બેટી બચાવો બેટી પઢાઓના દાવા 'પોકળ' સુરતઃ પાંડેસરા વિસ્તારની એક વિદ્યાર્થીની ફીના અભાવે 2 વર્ષથી શિક્ષણથી વંચિત રહી ગઈ છે. લોકડાઉન સમયની શાળાની ફી બાકી હોવાને કારણે આઈ.જી.દાવલે શાળાએ રોશની નામક વિદ્યાર્થીનીને 2 વર્ષથી શાળામાં ન તો પ્રવેશ આપ્યો કે ન તો પરીક્ષા આપવા દીધી. આ સમગ્ર મામલાની જાણ પરિવારે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે.
છેલ્લા 2 વર્ષથી અભ્યાસથી વંચિતઃ સુરત શહેરના પાંડેસરાની 15 વર્ષીય રોશની ભણવા માટે રડી રહી છે. ભણવા માટેની રજુઆત લઈ તે આજે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ રોશનીનો પરિવાર પહોંચ્યો હતો. રોશનીની એક જ ઈચ્છા છે કે તેને અભ્યાસ કરવા દેવામાં આવે અને પરીક્ષામાં બેસવા દેવામાં આવે. છેલ્લા 2 વર્ષથી રોશની શાળા ગઈ નથી. તેણી ભણવા ઈચ્છે છે પરંતુ શાળા તેને ભણવા દેતી નથી. જેની પાછળનું કારણ કોરોના વખતે લોકડાઉન સમયની ફી ભરી શકી નહોતી.
કપરા સંજોગોઃ રોશનીના પિતા રાહુલ સંચા કારખાનામાં નોકરી કરતા હતા. તેમની તબિયત સારી ન રહેતી હોવાના કારણે કારખાનાદારે તેમને નોકરી પર આવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ રોશનીના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેમાં તેમને અકસ્માતમાં ગંભીર ઇજાઓ થઈ હતી. આ સમય દરમિયાન જ કોરોનાકાળમાં લોકડાઉનની પરિસ્થિતિ પણ ઊભી થઈ ગઈ હતી. જેથી પરિવાર આર્થિક સંકડામણમાં આવી ગયો હતો.
માતા ઘરના કામ કરીને પણ ફી ભરવા તૈયારઃ ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે માતા સુનિતા બીજાના ઘરે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. પરિવારે પાંડેસરા ખાતે આવેલી આઈ.જી.દાવલે શાળાના સંચાલકોને અનુરોધ કર્યો હતો કે તેઓ સમયાંતરે 16 હજાર રૂપિયા ફી ભરી દેશે. જો કે શાળાના સંચાલકોએ રોશનીના પરિવારની વિનંતી ઠુકરાવી દીધી હતી. તેમજ રોશનીને પરીક્ષા આપવાની ના પાડી દીધી હતી.
મારી સાથે ભણનાર તમામ મારા મિત્રો રોજ શાળા જાય છે. હું જઈ શકતી નથી. તેથી મને ખૂબ જ દુઃખ થાય છે. હું ભણવા માગું છું પરંતુ હું શાળામાં જઈ શકતી નથી...રોશની(ભૂતપૂર્વ વિદ્યાર્થીની, સુરત)
અકસ્માતના કારણે મારા પતિ નોકરી કરવા માટે સક્ષમ નથી જેના કારણે હું ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવું છું. મારી એક જ દીકરી છે. લોકડાઉન સમયની ફી અમે ભરી શક્યા નહોતા. સ્કૂલે તેને પરીક્ષા આપવાની ના પાડી દીધી. અમે ઘણીવાર શાળાને રજૂઆત પણ કરી છે પણ કોઈ માનતું નથી. તેથી આજે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ...સુનિતા(રોશનીની માતા, સુરત)
હાલ અમારી પાસે રજૂઆત આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ફી ના કારણે શાળાએ પરીક્ષા આપવા દીધી નથી. આ સમગ્ર મામલે હકીકત શું છે અમારા અધિકારીઓ શાળા સાથે સંપર્ક કરી તપાસ કરશે અને જો રજૂઆત યોગ્ય હશે તો પગલા પણ ભરવામાં આવશે...ભગીરથ સિંહ પરમાર(જિલ્લા શિક્ષણ અધિકારી, સુરત)
- બેટી બચાવો, બેટી પઢાઓની યોજનાનું બોગસ ફોર્મ વાયરલ થતા પૈસા ભરવા રજીસ્ટર એડી કરવા ધસારો
- 'લાંછન આ બાપને-કલંક આ સમાજને', ભણવાની ઈચ્છાની બદલે દિકરીને મળ્યું મોત